એક સર્વે અનુસાર એશિયામાં કેન્સરથી થતાં મૃત્યુમાં ભારત બીજા ક્રમે છે અને ચીન પ્રથમ સ્થાને છે. માત્ર 2019માં ભારતમાં કેન્સરથી પીડિત 9 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. લેન્સેટના રીપોર્ટ મુજબ, ભારતમાં 2019માં કેન્સરના 12 લાખ નવા કેસ નોંધાયા હતા, જ્યારે કેન્સરને કારણે 9.3 લાખ લોકોના મોત થયા હતા. ‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ સાઉથઈસ્ટ એશિયા’ જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં આ માહિતી બહાર આવી છે. સંશોધકોના તારણ મુજબ કેન્સરના વધતા કેસ અને તેના કારણે થતા મૃત્યુના મામલામાં એશિયામાં ચીન મોખરે છે. કેન્સર માટે જવાબદાર 34 પરિબળોમાં ધૂમ્રપાન, આલ્કોહોલ અને પ્રદૂષણને મુખ્ય માનવામાં આવે છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, એશિયામાં વધતા વાયુ પ્રદૂષણને કારણે કેન્સરની ઘટનાઓ ચિંતાજનક છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, ભારત, બાંગ્લાદેશ અને નેપાળ જેવા સાઉથ એશિયાના દેશોમાં ખૈની, ગુટખા, પાન મસાલાના રૂપમાં તમાકુનું સેવન ચિંતાનો વિષય છે. 2019માં વિશ્વભરમાં થયેલા કુલ મૃત્યુમાંથી ભારતમાં 32.9 ટકા અને હોઠ અને મોઢાના કેન્સરના નવા કેસોમાં 28.1 ટકા હિસ્સો નોંધાયો હતો. તેમણે કહ્યું હતું કે મોઢાના કેન્સરના 50 ટકાથી વધુ કેસ તમાકુના સેવન સાથે સંબંધિત છે. ભારતમાં તાજેતરના સમયમાં તેનું વલણ વધ્યું છે.

સામ્યવાદી દેશ ચીનમાં કેન્સરના સૌથી વધુ 48 લાખ નવા કેસ નોંધાયા છે જ્યારે 27 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. જાપાનમાં કેન્સરના લગભગ નવ લાખ નવા કેસ નોંધાયા છે અને 4.4 લાખ લોકોના મોત થયા છે. સંશોધકોના જણાવ્યા મુજબ, 2019માં એશિયામાં કેન્સર જાહેર આરોગ્ય માટે નોંધપાત્ર જોખમ બની ગયેલું જ્યારે 94 લાખ નવા કેસ નોંધાયા હતા અને 56 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કુરુક્ષેત્ર અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ જોધપુર અને ભટિંડાના સંશોધકો પણ સામેલ હતા.

તેમણે અભ્યાસમાં જણાવ્યું હતું કે, ‘અમે 1990 થી 2019 વચ્ચે એશિયાના 49 દેશોમાં 29 પ્રકારના કેન્સરના ટેમ્પોરલ પેટર્નની તપાસ કરી હતી.’

એશિયામાં કેન્સર સૌથી વધુ સામાન્ય રીતે શ્વાસનળી, બ્રોન્કસ અને ફેફસાં (TBL)માં જોવા મળ્યું હતું. તેના અંદાજિત 13 લાખ કેસ નોંધાયા હતા જેમાંથી 12 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આ અંગોના કેન્સરના મોટાભાગના કેસો પુરુષોમાં જોવા મળ્યા હતા જ્યારે સ્ત્રીઓમાં ખાસ કરીને ગર્ભાશયના કેન્સરની ભારતમાં બીજા નંબરે અને ઘણા એશિયન દેશોમાં ટોચના પાંચમાં જોવા મળી હતી.

LEAVE A REPLY