બેડમિન્ટનમાં ત્રણ ગોલ્ડ મેડલ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના લક્ષ્યસેને મેન્સ સિંગલ્સ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. (ANI Photo)

સોમવારે (8 ઓગસ્ટ) ભારતના બેડમિંટન ખેલાડીઓએ શાનદાર દેખાવ સાથે દેશ માટે ત્રણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા, તો ચોથો ગોલ્ડ મેડલ ટેબલ ટેનિસમાં અચિંત શરથ કમલે હાંસલ કર્યો હતો. પુરૂષોની હોકીમાં જો કે, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે એકપણ ગોલ નહીં કરી શકેલી ભારતીય ટીમે સીલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. એકંદરે, ભારતે 22 ગોલ્ડ, 16 સીલ્વર અને 23 બ્રોંઝ મેડલ, એમ કુલ 61 મેડલ્સ સાથે ગૌરવપ્રદ એવો ચોથો ક્રમ હાંસલ કર્યો હતો. 

ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પી. વી. સિંધુ તથા યુવા ઉભરતા શટલર લક્ષ્ય સેને સિંગલ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કરવા સાથે છેલ્લા દિવસનો યશસ્વી આરંભ કર્યો હતો, તો બેડમિંટનમાં જ પુરૂષોની ડબલ્સની જોડી – ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રાંકીરેડ્ડીએ ત્રીજો ગોલ્ડ પ્રાપ્ત કર્યો હતો. 

ટેબલ ટેનિસમાં અચિંત શરથ કમલે પુરૂષોની સિંગલ્સમાં ઈંગ્લેન્ડના લિઆમ પિચફોર્ડને ફાઈનલમાં હરાવી વધુ એક ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ભારતના જ જી. સાથિયાને ટેબલ ટેનિસની પુરૂષોની સિંગલ્સમાં સોમવારે જ બ્રોંઝ મેડલ પણ મેળવ્યો હતો. 

મહિલા ક્રિકેટ ટીમને સિલ્વરઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં જોરદાર સંઘર્ષ પછી ફક્ત 9 રને પરાજય થતાં સીલ્વર મેડલથી સંતોષ માણવો પડ્યો હતો, જો કે ટીમે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને જબરજસ્ત ટક્કર આપી ચાહકોના દિલ જીતી લીધા હતા. ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 161 રન કર્યા હતા, તો જવાબમાં ભારતીય ટીમ છેલ્લી ઓવરમાં 152 રને ઓલઆઉટ થઈ હતી, એ રીતે ભારતનો 9 રને પરાજય થયો હતો. 

હોકીમાં ભારતને સિલ્વર અને બ્રોંઝઃ પુરૂષોની હોકીની ફાઈનલમાં ભારતીય ટીમનો ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 0-7થી પરાજય થતાં સીલ્વર મેડલ જ મળી શક્યો હતો, તો મહિલા ટીમે બ્રોંઝ માટેના જંગમાં ન્યૂઝીલેન્ડને પેનાલ્ટી શૂટાઉટમાં 2-1થી હરાવી મેડલ હાંસલ કર્યો હતો. 

                             

ગુજરાતના હરમિત દેસાઈ – ભાવિના પટેલને ગોલ્ડસોનલ પટેલને બ્રોન્ઝ 

ટેબલ ટેનિસમાં ગુજરાતના પીઢ ખેલાડી હરમિત દેસાઈ ટીમ ઈવેન્ટમાં ગયા સપ્તાહે જ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો, તો પેરા ટેબલ ટેનિસમાં ગુજરાતની ભાવિના પટેલે ગોલ્ડ તથા સોનલ પટેલે બ્રોંઝ મેડલ હાંસલ કરી કોમનવેલ્થ ગેમ્સમાં ઝળહળતી સફળતા સાથે ભારત અને ગુજરાત માટે ગૌરવવંતો દેખાવ કર્યો હતો.  

ટોક્યો પેરાલિમ્પિક્સમાં સીલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલે ફાઈનલમાં નાઈજીરિયાની ઈક્પેઓયીને ૩-૦થી હરાવી હતી.

તો સોનલે બ્રોંઝ મેડલના જંગમાં ઈંગ્લેન્ડની બેઈલીને ૩-૦થી હરાવી મેડલ પ્રાપ્ત કર્યો હતો. 

ટ્રિપલ જંપમાં ગોલ્ડ અને સિલ્વરરેસ વોકમાં બ્રોંઝઃ રવિવારે બોક્સિંગમાં નીતૂ ઘંઘાસ અને અમિત પંઘલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. તે ઉપરાંત, ભારતીય એથલેટ્સે ટ્રિપલ જંપ 2 મેડલ હાંસલ કર્યા હતા. મેન્સ ટ્રિપલ જંપમાં એલ્ડહોસ પોલને 17.03 મીટરની બેસ્ટ છલાંગ લગાવીને ગોલ્ડ મેડલ અને તે જ ઈવેન્ટમાં અબ્દુલ્લા અબુબકરે 17.02 મીટરની સર્વશ્રેષ્ઠ છલાંગ સાથે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. 

10 કિમીની રેસ વોકમાં સંદીપ કુમારે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સંદીપે 38 મિનિટ અને 49.21 સેકન્ડમાં આ મેડલ મેળવ્યો છે. તેમનું પ્રદર્શન પર્સનલી બેસ્ટ રહ્યું છે. 

કુસ્તીમાં પણ ભારતીય હરીફોએ જબરજસ્ત સફળતા સાથે ત્રણ ગોલ્ડ સહિત સંખ્યાબંધ મેડલ મેળવ્યા હતા.