ગ્લોબલ હંગર ઇન્ડેક્સના નવા રીપોર્ટ મુજબ ભારતમાં ભૂખમરાની પરિસ્થિતિ ચિંતાજનક હોવાનું જણાયું છે. આ ઇન્ડેક્સમાં સામેલ કુલ 125 દેશોમાંથી ભારતને 111મું સ્થાન મળ્યું છે. આ રીપોર્ટ મુજબ આશ્ચર્યજનક બાબત એ છે કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા જેવા પાડોશી દેશોની સ્થિતિ ભારત કરતા સારી છે. ઉપરાંત, ભારતમાં બાળ કુપોષણનો દર પણ સૌથી વધુ 18.7 ટકા નોંધાયો છે. જોકે, સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ ઇન્ડેક્સને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, આ ઇન્ડેક્સ બદઇરાદાપૂર્વક બનાવવામાં આવ્યો છે અને તેની કાર્યપદ્ધતિમાં ગંભીર ખામીઓ છે.
2022માં ભારત હંગર ઇન્ડેક્સમાં 121 દેશમાંથી 107મા ક્રમે હતું. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ (GHI) વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ભૂખમરાની સ્થિતિ માપવાનું એક સાધન છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2023 મુજબ 28.7ના સ્કોર સાથે ભારતમાં ભૂખમરાનું પ્રમાણ ગંભીર સ્તરે છે. ભૂખમરાના સૂચકાંકમાં પાડોશી પાકિસ્તાન 102, બાંગ્લાદેશ 81, નેપાળ 69 અને શ્રીલંકા 60મા ક્રમે રહ્યા છે.
સાઉથ એશિયા અને સહારાની દક્ષિણે આવેલા આફ્રિકન પ્રદેશમાં સૌથી વધુ ભૂખમરો છે. તેનો જીએચઆઇ સ્કોર 27 છે. ભારતમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકોનો મૃત્યુદર 3.1 ટકા છે. 15થી 24 વર્ષની મહિલાઓમાં એનિમીયાનું પ્રમાણ 58.1 ટકા નોંધાયું છે. 2015 સુધીમાં ઘણા વર્ષોની પ્રગતિ છતાં વિશ્વભરમાં ભૂખમરાની સ્થિતિ ખાસ સુધરી નથી.