ભારતે 2023-24ના નાણાકીય વર્ષ માટે ડિફેન્સ બજેટને વધારી રૂ.5.94 લાખ કરોડ (72.6 બિલિયન ડોલર) કર્યું છે. ગયા વર્ષના બજેટના પ્રારંભિક અંદાજ કરતાં આ ફાળવણી આશરે 13 ટકા વધુ છે. સરકાર ચીન સાથે સીમા પર તંગદિલી વચ્ચે વધુ યુદ્ધ વિમાનો ખરીદશે અને રોડ નિર્માણ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખર્ચ કરશે.
ભારતનું કુલ ડિફેન્સ બજેટ કુલ જીડીપીના આશરે 2 ટકા હોવાનો અંદાજ છે. ચીનને 2022 માટે 230 બિલિયન ડોલરની ડિફેન્સ બજેટની ફાળવણી કરી હતી.
સંરક્ષણ મંત્રાલય માટે રૂ.1.62 લાખ કરોડના મૂડીખર્ચની જોગવાઈ કરાઇ છે. આ નાણાથી નવા શસ્ત્રો, વિમાનો, યુદ્ધજહાજો અને બીજા મિલિટરી ઇક્વિપેન્ટની ખરીદી કરાશે. 2022-23ના બજેટમાં મૂડીખર્ચ માટે રૂ.1.52 લાખ કરોડની ફાળવણી કરાઈ હતી, પરંતુ સુધારેલો અંદાજ રૂ.1.50 લાખ કરોડ રહ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે માટે 2023-24ના વર્ષ માટે રિવન્યૂ એક્સપેન્ડિચર તરીકે રૂ.2,70,120 કરોડની ફાળવણી કરાઈ છે. આવા ખર્ચમાં વેતનની ચુકવણી, મેન્ટેનન્સનો સમાવેશ થાય છે. ડિફેન્સ પેન્શન માટે રૂ.1,38,205 કરોડની અલગ ફાળવણી કરાઈ છે. પેન્શન સહિત કુલ રિવન્યૂ એક્સપેન્ડિચર રૂ.4,22,162 કરોડ રહેવાનો અંદાજ છે.
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સંરક્ષણ નિષ્ણાત લક્ષ્મણ બેહેરાએ જણાવ્યું હતું કે, લશ્કરી આધુનિકીકરણ માટેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંરક્ષણ બજેટમાં વધારો “વાજબી છે, પરંતુ પર્યાપ્ત નથી”.