મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક, ઓડિસા, આંધ્રપ્રદેશ સહિતના દેશના વિવિધ રાજ્યોમાં અવિરત ભારે વરસાદને પગલે બુધવારે ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હતા અને હજારોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા હતા. ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા અને જળાશયો ભરાઈ ગયા હતા. મહારાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ છે.
તેલંગણાના વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અને માર્ગ વ્યવહારને અસર થઈ હતી. રાજ્ય સરકારે શનિવાર સુધી રાજ્યમાં શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. ભારે વરસાદને આગાહીને કારણે મહારાષ્ટ્રના પાલઘર, પૂણે અને પડોશી પિંપરી ચિંચવાડ વિસ્તારોની સ્કૂલો અને કોલેજો ગુરુવારે બંધ રહેશે.
પાલઘર જિલ્લામાં ભૂસ્ખલને કારણે પિતા-પુત્રીના મોત થયા હતા, જ્યારે ગોડિંયા જિલ્લામાં ચાર વ્યક્તિ પૂરના પાણીમાં તણાઈ ગયા હતા.
પાલઘર અને ગોંડિયા જિલ્લામાં મંગળવારની રાત્રીથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાલઘરમાં 40 પરિવારોનું સ્થળાંતર કરાયું હતું. ચંદ્રપુર જિસ્સામાં 35 મુસાફરો સાથેની એક બસ પૂરના પાણીમાં બ્રિજ પર ફસાઈ ગઈ હતી. પોલીસે દોરડાની મદદથી ફસાયેલા મુસાફરોને બચાવી લીધા હતા. ભંડારા જિલ્લામાં વૈનગંગા નદીની વચ્ચે આવેલા એક મંદિરમાં 15 લોકો ફસાયા હતા. તેઓ ગુરુપૂર્ણિમાએ દર્શન કરવા મંદિર ગયા હતા. નાંદેડ જિલ્લામાં પૈનગંગા નદીમાં પૂર આવતા 200 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. આ જિલ્લાના 26 ગામડા સંપર્ક વિહોણા બન્યા હતા. ગોદાવરી, કાલેશ્વરમ અને ઇન્દ્રાવતી નદીઓમાં પૂર આવતા ગઢચિરોલીમાં 19 ગામોના 2,000 લોકોને રેસ્ક્યુ કરાયા હતા. વૈનગંગા, પ્રાણહિતા અને વર્ધા નદીઓમાં પાણી વોર્નિંગ લેવલની નજીક આવી ગયા હતા. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ વરસાદ ચાલુ રહ્યો હતો.