ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક દિવસ દેશમાં જનતા કરફયુ પાળવા એલાન કર્યું હતું, તે મહદ્ અંશે સફળ રહ્યું હતું. જો કે, કેટલાક રાજ્યોમાં લોકો સાવચેતીના પગલાંની સલાહનું પાલન કરતા નહીં હોવાનું જણાતા પંજાબ અને મહારાષ્ટ્રમાં તો રાજ્ય સરકારોએ કાનૂની રીતે કરફયુની જાહેરાત કરી હતી, તો ગુજરાતમાં એ રીતે કરફયુ જાહેર કરવા વિષે રાજ્ય સરકાર વિચારી રહી હોવાનું સોમવારે સાંજે મળતા સમાચારો સૂચવે છે. તે ઉપરાંત, રાજ્યમાં છ જિલ્લાઓમાં સંપૂર્ણપણે લોકડાઉનની જાહેરાત કરાઈ છે. ભારત સરકારે બુધવારથી (25 માર્ચથી) દેશમાં પણ ડોમેસ્ટિક ફલાઈટ્સ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે અને તે ફરી ક્યારે શરૂ થશે તે વિષે કઈં જણાવાયું નથી.
આ ઉપરાંત, સોમવારે સવાર સુધીના અહેવાલો મુજબ ભારતના બધા જ રાજ્યોમાં મળીને કુલ 80 શહેરો અને જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઈ હતી.
ફ્રાન્સઃ ફ્રાન્સમાં લોકડાઉન જાહેર કરાયાનો સોમવારે સાતમો દિવસ હતો. મે મહિનામાં સામાન્ય રીતે દર વર્ષે યોજાતો કાન ફિલ્મ ફેસ્ટીવલ આ વર્ષે ઓછામાં ઓછો એક મહિનો તો પાછો ઠેલાયો જ છે. દેશમાં કોરોના વાઈરસના રોગચાળાના દર્દીઓની સંખ્યા 11,000થી વધુની થઈ છે, તો લગભગ 400 લોકોના આ રોગથી મોત નિપજ્યા છે.
ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયામાં સીડનીની એક સુપર માર્કેટમાં ટોઈલેટ પેપરની ખરીદી માટે લોકો વચ્ચે ઝઘડો થયા પછી સશસ્ત્ર પોલીસે વ્યવસ્થામાં દરમિયાનગીરી કરી તેનું રેશનિંગ શરૂ કર્યું હતું.
જર્મનીઃ જર્મનીમાં એક સત્તાવાર સમારંભમાં હાજરી આપ્યા પછી બર્લિનના મેયરે પણ પોતે સ્વયં આઈસોલેશન પાળી રહ્યાની જાહેરાત કરી હતી. તે સમારંભમાં જર્મની ખાતેના ઈઝરાયેલી એમ્બેસેડરે પણ હાજરી આપી હતી અને પાછળથી ટેસ્ટમાં તે વિદેશી દૂત કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું.
સ્પેઈનઃ સ્પેઈનમાં કોરોનાનું મારક સ્વરૂપ વધુ ને વધુ ઉગ્ર બનતું જાય છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં એક જ દિવસમાં કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક 462નો રહ્યો હતો અને એ સાથે દેશમાં કુલ 2182 લોકો આ વાઈરસના રોગચાળામાં મૃત્યુ પામ્યા હતા, તો દર્દીઓની સંખ્યા 33,000થી વધુની થઈ હતી.
રશિયાઃ રશિયામાં ગયા સપ્તાહે કોરોનાના પહેલા દર્દીનું મોત નોંધાયું હતું.
ઈન્ડોનેશિયાઃ ઈન્ડોનેશિયામાં ગયા શુક્રવારે સત્તાવાળાઓએ તબ્લીઘી જમાતના ઉપક્રમે યોજાએલી એક સામુહિક નમાજનો કાર્યક્રમ રદ કરવાની ફરજ પાડી એકત્ર થયેલા લોકોને વિખેરી નાખ્યા હતા. એ નમાજ માટે લગભગ 16,000 લોકો એકત્ર થયા હતા અને પછી તેમાંથી 500થી વધુનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.