ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ સંબંધોને પગલે બન્ને દેશ વચ્ચેના વેપાર પર ભારે પ્રતિકૂળ અસર જોવા મળી છે. સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન (SBP) દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન દ્વિપક્ષીય વ્યાપાર વોલ્યુમમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. આ અવધી દરમિયાન પાકિસ્તાનથી ભારતમાં થતી નિકાસ નોંધપાત્ર પ્રમાણમાં ઘટીને 16.8 મિલિયન ડોલર થઈ છે, જે વર્ષ 2018-19ના પ્રથમ છ મહિનાના ગાળામાં 213 મિલિયન ડોલર હતી.
દરમિયાન ભારત તરફથી પાકિસ્તાનમાં થતી નિકાસ પણ 865 મિલિયન ડોલરથી ઘટી 286.60 મિલિયન ડોલર રહી છે. ભારત સાથે પાકિસ્તાનની વેપાર ખાધ 269 મિલિયનન ડોલર જેટલી નોંધાઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગ બનતા બન્ને દેશ વચ્ચેના વેપારમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને રાજ્યના પુનઃગઠન બાદ પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષીય વ્યાપાર સંબંધ અટકાવવાનો નિર્ણય કર્યો હતો. આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન માટે આ નિર્ણય આત્મઘાતી સાબિત થતો હોય તેમ લાગે છે. અગાઉ પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આપેલા મોસ્ટ ફોર્વડ નેશન (MFN)નો દરજ્જો પાછો ખેંચી લીધો હતો, જેને લીધે પાકિસ્તાન તરફથી ભારતમાં થઈ રહેલી આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
પાકિસ્તાનથી ભારતમાં ફળો, સિમેન્ટ, ખનિજો તથા તૈયાર ચામડુ, મલાસા, કાચા કપાસ, ઊન, વગેરેની આયાત થતી હતી. જ્યારે ભારત જૈવિક ખાતર, કપાસ, અનાજ, ખાંડ, કોફી, ચા, લોખંડ અને સ્ટીલ, દવાઓ વગેરેની પાકિસ્તાનમાં નિકાસ કરતું હતું.