એશિયા કપમાં રવિવારે દુબઈમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે જંગ જામશે. ભારત અને પાકિસ્તાનની ટીમો છેલ્લે 10 મહિના પહેલા ટી20 વર્લ્ડ કપમાં આમને-સામને થઈ હતી. ભારતનો ટી-20 વર્લ્ડ કપમાં નાલેશીભર્યો 10 વિકેટે પરાજય થયો હતો. ભારત હવે એશિયા કપમાં આ બદલો લેવા આતુર છે. ભારતના વરિષ્ઠ ખેલાડી વિરાટ કોહલી તેની 100મી ટી20 મેચ રમવા ઉતરશે.
હાઇ વોલ્ટેજ મેચની પૂર્વસંધ્યાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા તે પરાજયથી ઘણી આગળ વધી ગઈ છે. પરંતુ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ચોક્કસથી ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને હરાવીને હિસાબ ચૂકતે કરે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ રમાશે જેનું પ્રસારણ ભારતીય સમય પ્રમાણે રાત્રે 7.30 કલાકથી શરૂ થશે.
ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો સામાન્ય રીતે પ્રતિકૂળ રાજકીય સંબંધોને લીધે દ્વિપક્ષીય શ્રેણી રમી શકતા નથી. તેનાથી દર્શકોમાં ભારે ઉત્તેજના છે. બન્ને ટીમોની શું રણનીતિ રહેશે તેનો ખ્યાલ રવિવારે રમાનાર મુકા્બલામાં જ આવશે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી ટી20માં આક્રમક બેટિંગની રણનીતિ ધરાવે છે. જ્યારે બીજીતરફ આઈસીસી રેન્કિંગમાં ટોચનો ક્રમ ધરાવતા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના નેતૃત્વમાં પાકિસ્તાન ટીમમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. કોહલી તમામ ફોરમેટમાં 100 મેચ રમનાર ન્યૂઝીલેન્ડના રોસ ટેલર બાદ બીજો ખેલાડી બનશે. જ્યારે 100 ટી20 રમનાર તે 14મો ક્રિકેટર બનશે. વિરાટ કોહલી માટે ટી20 વર્લ્ડ કપ પૂર્વે પોતાનું ફોર્મ મેળવવા માટે એશિયા કપનું મંચ શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે.