પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે બુધવારે ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત પરના 19 મહિના જૂના પ્રતિબંધને ઉઠાવી લીધો હતો. પાકિસ્તાનની કેબિનેટની આર્થિક સમન્વય સમિતિએ ભારત સાથે વેપારને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી હતી. પાકિસ્તાન 30 જૂન, 2021થી ભારતમાંથી કપાસ આયાત કરશે. મીડિયા રિપોર્ટસ મુજબ, પાકિસ્તાન સરકારે ખાનગી ક્ષેત્રને ભારત પાસેથી ખાંડની આયાતને મંજૂરી આપી દીધી છે.
પાકિસ્તાને વર્ષ 2016માં ભારતમાંથી કપાસ અને અન્ય કૃષિ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સૂત્રો મુજબ, પાકિસ્તાનમાં ખાંડની વધતી કિંમતો અને મુશ્કેલીઓનો સામનો કરી રહેલા કાપડ ઉદ્યોગને બચાવવા માટે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. બંને દેશોમાં તણાવપૂર્ણ સંબંધો વચ્ચે પાકિસ્તાનનો ભારત સાથે સંબંધો સુધારવાની દિશામાં આ મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
ભારતે ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરાયા બાદ પાકિસ્તાને ભારત સાથેના વેપાર સંબંધો તોડી નાખ્યા હતા. પાકિસ્તાન સરકાર ખાંડ અને કપાસની આયાત એવા સમયે કરવા જઈ રહી છે, જ્યારે એ બંને વસ્તુ માટે પાકિસ્તાનને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મે 2020માં પાકિસ્તાને ભારતમાંથી મેડિસિન અને કાચા માલની આયાાત પરના પ્રતિબંધને ઉઠાવી લીધો હતો. પાકિસ્તાનના ટેક્સટાઇલ ક્ષેત્રે સરકારની આ હિલચાલને આવકારી હતી.
પાકિસ્તાન ટેક્સટાઇલ એક્સપોર્ટર્સ એસોસિયેશનના ચેરમેન ખુર્રમ મુખ્તારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભારતમાંથી રો કોટન, યાર્ન અને ગ્રે ફેબ્રિકની આયાતથી દેશમાં માગ અને પુરવઠા વચ્ચેના તફાવતને દૂર કરી શકાશે. તેનાથી પાકિસ્તાનના નિકાસકારો ગ્રોથ મોમેન્ટમને ચાલુ રાખી શકશે.
વિવિધ અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં કપાસની વાર્ષિક માગ ઓછામાં ઓછી 12 મિલિયન ગાંસડી રહેવાનો અંદાજ છે. આની સામે આ વર્ષે માત્ર 7.7 મિલિયન ગાંસડીના ઉત્પાદનનો અંદાજ છે. તેથી છ મિલિયન ગાંસડીની અછત ઊભી થઈ શકે છે. પાકિસ્તાનને અત્યાર સુધી આશરે 688,305 મેટ્રીક ટન કોટન અને યાર્નની આયાત કરી છે.
ભારતમાંથી આયાત સસ્તી પડે છે અને ત્રણથી ચાર દિવસમાં માલ મળી જાય છે. બીજા દેશોમાંથી યાર્નની આયાત માત્ર મોંઘી જ નથી, પરંતુ પાકિસ્તાન પહોંચતા એકથી બે મહિના લાગે છે.