આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં આવ્યા છે. બંને ટીમ સીધી સુપર-૧૨માં ક્વોલિફાય થઈ છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત ગ્રુપ-ટુમાં ન્યૂઝિલેન્ડ અને અફઘાનિસ્તાનની સાથે બે ક્વોલિફાયર ટીમો રહેશે. ગ્રુપ-વનમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની સાથે પણ બે ક્વોલિફાયર ટીમ રહેશે.
યુએઈ અને ઓમાનમાં સંયુક્ત રીતે યોજાઈ રહેલી ટી-૨૦ વર્લ્ડ કપ સ્પર્ધાનો સંપૂર્ણ કાર્યક્રમ હજુ જાહેર થયો નથી. ટુર્નામેન્ટનો પ્રારંભ તારીખ ૧૭મી ઓક્ટોબરથી થવાનો છે.
તેમાં શરૃઆતમાં ૧૨ ટીમો વચ્ચે સુપર ૧૨માં પ્રવેશવા માટે જંગ જામશે. આ સ્તરે ૬-૬ ટીમ્સના બે ગ્રુપ રહેશે અને ટોચના બે સ્થાને રહેતી ટીમોને સુપર-૧૨માં તક મળશે. સુપર-૧૨ના ખરાખરીના મુકાબલા ૨૪મી ઓક્ટોબરથી શરૂ થવાના છે.
સુપર-૧૨માં ક્વોલિફાય થવા માટે રમનારી ૧૨ ટીમોના ગ્રુપની પણ જાહેરાત કરી દેવાઈ છે. તે મુજબ ગ્રુપ-એમાં શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ અને નામિબિયા રહેશે. ગ્રુપ-બીમા બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની અને ઓમાન રહેશે.
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. તેના કારણે બંને ટીમો ગ્રુપ સ્ટેજમાં ટકરાશે તે નક્કી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે બે વર્ષ કરતાં વધુના ગાળા પછી આ પ્રથમ મુકાબલો બની રહેશે. બંને ટીમો છેલ્લે ૧૬મી જુન, ૨૦૧૯ના રોજ ઈંગ્લેન્ડમાં વન-ડે વર્લ્ડ કપમાં માંચેસ્ટરમાં એક બીજા સામે રમી હતી, જેમાં ભારતે ૮૯ રનથી પાકિસ્તાનને હરાવ્યું હતું.