ટેસ્લાની એક ટીમે ભારતની મુલાકાત લીધાના થોડા દિવસો પછી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલોન મસ્કે મંગળવારે જણાવ્યું હતું કે ઓટોમેકર આ વર્ષના અંત સુધીમાં નવી ફેક્ટરી માટે સ્થળ પસંદ કરશે. વોલ સ્ટ્રીટ જર્નલના થોરોલ્ડ બાર્કરે એક કાર્યક્રમમાં મસ્કને પૂછ્યું કે શું ભારત રસપ્રદ છે, તો તેમણે કહ્યું, “ચોક્કસ”. મસ્કે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે નવી ફેક્ટરી માટે ભારત તેમના રડાર પર છે.
ભારતના ટેકનોલોજી પ્રધાને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપિત કરવાની તેની યોજનાઓ વિશે “ગંભીર” છે .ટેસ્લાએ આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે મેક્સિકોમાં ગીગાફેક્ટરી ખોલશે કારણ કે વિશ્વની સૌથી મૂલ્યવાન ઓટોમેકર તેના વૈશ્વિક વ્યાપમાં વધારો કરવા માગે છે.
આ અગાઉ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે જો ટેસ્લા ભારતમાં તેના ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવા તૈયાર હોય તો કોઈ સમસ્યા નથી, પરંતુ કંપનીએ ચીનમાંથી કાર આયાત કરવી જોઈએ નહીં.
ઓગસ્ટ 2021માં, મસ્કે જણાવ્યું હતું કે અમેરિકન ઈલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી શકે છે જો તે દેશમાં આયાતી વાહનો સાથે પ્રથમ સફળ થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટેસ્લા ભારતમાં તેના વ્હિકલ લોન્ચ કરવા માગે છે, પરંતુ ભારતમાં આયાત જકાત કોઇપણ મોટા દેશમાં હોય તેના કરતાં ઘણી વધુ છે. ભારતમાં હાલમાં ફૂલી ઇમ્પોર્ટેડ કારો પર 100 ટકા આયાત જકાત છે.