ભારત દ્વારા ડિસ્કાઉન્ટ ભાવે રશિયાના ક્રૂડ ઓઇલની ખરીદી અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લેઘન નથી, એમ વ્હાઇટ હાઉસે જણાવ્યું છે. જોકે અમેરિકાએ આડકતરી રીતે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.
ભારત રશિયાની ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઇલની ઓફરનો સ્વીકાર કરી શકે છે તેવા અહેવાલ અંગેના પ્રશ્નના જવાબમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સાકીએ મંગળવારે જણાવ્યું હતું કે તેનાથી પ્રતિબંધનો ભંગ થતો હોય તેવું મને લાગતું નથી. પરંતુ હાલના સમયે ઇતિહાસનું આલેખન થઈ રહ્યું છે ત્યારે તમે કોના પક્ષમાં છો તેનો પણ વિચાર કરો. રશિયાની નેતાગીરીને સપોર્ટ એ આક્રમણને સપોર્ટ છે, જેનાથી દેખિતી રીતે વિનાશકારી અસર હશે.
ઉલ્લેખનીય છે કે, ભારતે અત્યાર સુધી રશિયાના હુમલાને વખોડયો નથી અને યુએનમાં રશિયા સામે વોટિંગ પણ કર્યુ નથી. રશિયાએ તો ભારતને મેસેજ આપી દીધો છે કે, રશિયા ભારતમાં ઓઈલ એક્સપોર્ટ વધારવા માંગે છે અને ભારતીય કંપનીઓ આ સેક્ટરમાં રશિયામાં આવીને રોકાણ કરે તેવુ પણ રશિયા ઈચ્છી રહ્યુ છે.