સમગ્ર દેશ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકો, વેપારીઓ, ઉદ્યોગોને આ સંકટમાંથી બહાર આવવા માટે રાહતોની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રાહતના ડોઝની જાહેરાત કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, ઉદ્યોગો માટે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જારી કરવામાં આવશે. તે ઉપરાંત આગામી ત્રણ મહિના સુધી લોકોને કોઈપણ એટીએમમાંથી રોકડ રકમ કાઢવા દેવામાં આવશે.
આ ટ્રાન્ઝેક્શન ઉપર કોઈ ચાર્જ લાગશે નહીં. તે ઉપરાતં આ સમયગાળા દરમિયાન બેન્ક ખાતાઓમાં મિનિમમ બેલેન્સ રાખવાની શરત પણ નાબૂદ કરવામાં આવી છે. તે ઉપરાંત ૩૧ માર્ચ નજીક હોવાથી ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં અને પાનકાર્ડ તથા આધારને લિન્ક કરવામાં પણ રાહત આપવામાં આવી છે. આ તારીખ પણ લંબાવીને ૩૦ જૂન કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ નાણામંત્રાલય દ્વારા લોકો માટે રાહત પેકેજ જાહેર કરવાના સંકોતો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સોમવારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ટોચના ઉદ્યોગપતિઓ અને બેન્કર્સ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશની આર્થિક સ્થિતિ અને ઉદ્યોગોની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
આ ચર્ચા બાદ સરકાર દ્વારા રાહત પકેેજ જારી કરવામાં આવે તેવી શક્યતાઓ વધી ગઈ હતી. વડા પ્રધાને ઉદ્યોગગૃહોને નાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો અવસર આપવા તથા તેમનો પગાર ન કાપવા પણ અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે થોડા સમય પહેલાં કોવિડ-૧૯ ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સની રચના કરાવી હતી.