કોરોના વાઈરસ સામેની લડતમાં કેસ બમણા થવાનો દર સતત સુધરી રહ્યો હોવાના સ્વાસ્થ્ય મંત્રાલયના દાવાઓ વચ્ચે દેશમાં કોવિડ-૧૯ના કેસ અને મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે, 1 મેના રોજ લૉકડાઉન વધુ બે સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે.
હવે ૧૭મી મે સુધી લૉકડાઉન અમલમાં રહેશે. જોકે, સરકારે દેશને રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોનમાં વિભાજિત કર્યો છે. રેડ ઝોનમાં આકરાં પ્રતિબંધો યથાવત રાખ્યા છે જ્યારે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અનેક છૂટછાટો આપવામાં આવી છે. આ સાથે ગૃહમંત્રાલયે દરેક ઝોન માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે લૉકડાઉન ૧૫ દિવસ લંબાવ્યું છે. આ સાથે દેશના ૭૩૩ જિલ્લાને રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોનમાં વિભાજિત કર્યા છે. ગૃહમંત્રાલયના નવા નિર્દેશો મુજબ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. જોકે, કેટલીક પ્રવૃત્તિઓ દરેક ઝોનમાં પ્રતિબંધિત છે, જેમાં હવાઈ પ્રવાસ, રેલવે પ્રવાસ, મેટ્રો અને આંતર-રાજ્ય માર્ગ પરિવહન, સ્કૂલ-કોલેજોને શરૂ કરવા તેમજ ટયુશન ક્લાસ સહિતની અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ બધી જ પ્રવૃત્તિઓ પર ત્રણેય ઝોનમાં પ્રતિબંધ યથાવત્ રહેશે.
ગૃહમંત્રાલયે આ સાથે પ્રત્યેક રાજ્યમાં રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં સામેલ જિલ્લાઓની એક યાદી જાહેર કરી છે. બે સપ્તાહના આગામી લૉકડાઉનના સમય દરમિયાન એક સપ્તાહ પછી રાજ્ય સરકારો સાથે પરિસ્થિતિની માહિતી મેળવીને આ યાદીમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં ૭૩૯ જિલ્લા છે, જેમાંથી ૩૦૭ જિલ્લા હજી પણ કોરોનાથી અછૂતા રહ્યા છે એટલે કે ૪૦ ટકાથી વધુ ભાગ ગ્રીન ઝોનમાં આવે છે.
આ ૩૦૭ સહિત કુલ ૩૧૯ જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કરાયા છે, જ્યાં ૩જી મે પછી ફેક્ટરીઓ, દુકાનો, નાના-મોટા ઉદ્યોગો સહિત પરિવહન અને અન્ય સેવાઓ પણ શરતો સાથે સંપૂર્ણપણે ખોલવાની મંજૂરી અપાઈ છે. જે જિલ્લાઓમાં છેલ્લા ૨૧ દિવસથી કોરોના વાઈરસના સંક્રમણનો એક પણ કેસ ન નોંધાય તેને ગ્રીન ઝોન જાહેર કરાય છે. પહેલા આ સમય મર્યાદા ૨૮ દિવસ હતી, જેને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઘટાડીને ૨૧ દિવસ કરી છે.
ઓરેન્જ ઝોનમાં ૨૮૪ જિલ્લાઓનો સમાવેશ કરાયો છે. આ એવા જિલ્લા છે, જ્યાં દર્દીઓની સંખ્યા ઓછી છે અને ત્યાં સંક્રમણ ફેલાવાનું જોખમ પણ ઓછું છે. અહીં કોવિડ-૧૯ના દર્દીઓ હોવાથી આ જિલ્લાઓને ગ્રીન ઝોનમાં નથી રખાયા તેમજ તે અતિ જોખમી ન હોવાથી રેડ ઝોનમાં પણ તેનો સમાવેશ નથી કરાયો.
આ ઝોનમાં મોટાભાગે શહેરોનો સમાવેશ થાય છે. અહીં કોરોનાના હોટસ્પોટ છે, જ્યાં ખૂબ જ ઝડપથી કોરોના વાઈરસના કેસ તેમજ મૃત્યુઆંક વધી રહ્યા છે. આ રેડ ઝોન વિસ્તારોમાં દેશના ઔદ્યોગિક પ્રવૃત્તિઓના હાર્દ સમા શહેરો એવા દિલ્હી, મુંબઈ, અમદાવાદ, સુરતનો સમાવેશ થાય છે. કોઈપણ પ્રકારની છૂટછાટો આપવામાં નહીં આવે.