ભારત કોરોના વેક્સિનેશનમાં અમેરિકાથી આગળ નીકળી ગયું છે. ભારતમાં 16 જાન્યુઆરીએ વેક્સિનેશન અભિયાનના પ્રારંભ પછીથી રવિવાર સુધીમાં વેક્સીનના કુલ આશરે 32.36 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આની સામે અમેરિકામાં 14 ડિસેમ્બર 2020ના રોજ રસીકરણ અભિયાન બાદ અત્યાર સુધી 32.33 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે ભારતે વેક્સીનેશનમાં વધુ એક સિમાચિહ્ન હાંસલ કર્યું છે અને વેક્સીન ડોઝની સંખ્યાના સંદર્ભમાં અમેરિકાથી આગળ નીકળી ગયું છે. દેશમાં રવિવારે વેક્સીનના કુલ 17,21,268 ડોઝ આપવામાં આવ્યા હતા.
ગ્લોબલ વેક્સિન ટ્રેકરના એક રિપોર્ટ પ્રમાણે બ્રિટન, અમેરિકા, ઇટાલી, જર્મની, ફ્રાન્સ અને ભારતમાં રસીકરણની ગતિ ઝડપી છે. ભારતમાં રસીકરણ આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું, જ્યારે બ્રિટનમાં 8 ડિસેમ્બર, અમેરિકામાં 14 ડિસેમ્બર, ઇટાલી, જર્મની અને ફ્રાન્સમાં 27 ડિસેમ્બરના રસીકરણની શરૂઆત થઈ હતી. રિપોર્ટ પ્રમાણે સોમવાર 28 જૂનની સવારે 8 વાગ્યા સુધી બ્રિટનમાં 7,67,74,990, અમેરિકામાં 32,33,27,328, ઇટાલીમાં 4,96,50,721, જર્મનીએ 7,14,37,514 અને ફ્રાન્સમાં અત્યાર સુધી 5,24,57,288 ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં આ સંખ્યા 32,36,63,297 છે.
