ભારતમાં સતત ચોથા વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની ધારણા છે. ચોમાસાના જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં લા નીનાની સ્થિતિ સાનુકૂળ રહેવાની ધારણા હોવાથી ચોમાસુ સરેરાશ રહી શકે છે. દેશમાં લાંબા ગાળાની સરેરાશના 96થી 104 ટકા સુધી વરસાદ પડવાની આગાહી છે, એમ હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું. અગાઉ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ પણ પણ સામાન્ય ચોમાસાની આગાહી કરી હતી.
દેશમાં અગાઉ 2019, 2020 અને 2021ના ચોમાસમાં સામાન્ય વરસાદ પડ્યો હતો અને તેનાથી કોરોનાની મહામારી હોવા છતાં કૃષિ ક્ષેત્રે દેશના અર્થતંત્રને ટકાવી રાખવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 2022 નૈઋત્યના ચોમાસાની સિઝન દરમિયાન 87 સેન્ટિમીટર (35 ઇંચ)ની લાંબા ગાળાની સરેરાશના 96થી 104 ટકા વરસાદ પડશે. ચોમાસાના ચાર મહિનામાં 50 વર્ષની સરેરાશ (36 ઇંચ)નો 96થી 104 ટકા વરસાદ થાય તો તેને સામાન્ય અથવા સરેરાશ ચોમાસું કહેવામાં આવે છે.જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ લાંબા ગાળાની સરેરાશના 99 ટકા રહેવાની શક્યતા છે, જોકે તેમાં 5 ટકા સુધીનો તફાવત રહી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે સામાન્ય ચોમાસાની 40 ટકા, સામાન્યથી વધુ સારા ચોમાસાની 15 ટકા અને અતિવૃષ્ટીની શક્યતા 5 ટકા છે. જો લાંબા ગાળાની સરેરાશ 104થી 110 ટકા વરસાદ થાય તો તેને સામાન્ય કરતાં વધુ સારું ચોમાસુ કહેવામાં આવે અને જો 110 ટકાથી વધુ વરસાદ પડે તો તેને અતિવૃષ્ટી કહેવામાં આવે છે.
જો સામાન્ય કરતાં નીચું ચોમાસું રહેવાની શક્યતતા 26 ટકા છે અને દુકાળ પડવાની શક્યતા 14 ટકા છે. જો લાંબા ગાળાની સરેરાશના 90 ટકાથી ઓછો વરસાદ થાય તો તેને દુકાળ જેવી સ્થિત ગણવામાં આવે છે.
ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના દ્વિપકલ્પીય ભારતના ઉત્તર વિસ્તાર, મધ્યભારત અને હિમાલયના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની સૌથી વધુ શક્યતા છે. આ ઉપરાંત ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાંક ભાગોમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે.