ભારત અને મોંગોલિયાના સંરક્ષણ મંત્રાલયો વચ્ચે 12મી સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) બેઠક 16-17 મે, 2024ના રોજ ઉલાનબટારમાં મળી હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા ભારતના સંયુક્ત સંરક્ષણ સચિવ અમિતાભ પ્રસાદ અને મોંગોલિયાના રાજ્ય સચિવ બ્રિગેડિયર જનરલ ગાંખુયાગ દાવગદોર્જ દ્વારા કરવામાં આવી હતી. મોંગોલિયામાં ભારતના રાજદૂત અતુલ મલ્હારી ગોતસુરવે પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.
JWG દરમિયાન, બંને પક્ષોએ બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંરક્ષણ સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો. તેમણે વિવિધ દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર પહેલ પરની પ્રગતિની સમીક્ષા કરી અને આ દિશામાં પગલાંની સ્પષ્ટતા કરતા આ ક્ષેત્રોમાં સહયોગને વધુ વધારવા માટેના માધ્યમોની ઓળખ કરી હતી. બંને પક્ષોએ વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
સંયુક્ત સચિવે ભારતીય સંરક્ષણ ઉદ્યોગની ક્ષમતા અને સામર્થ્યની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો અને મોંગોલિયાના સશસ્ત્ર દળો સાથે ફળદાયી ભાગીદારીની આશા વ્યક્ત કરી. મોંગોલિયન પક્ષે ભારતીય ઉદ્યોગની ક્ષમતા અને યોગ્યતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. બંને પક્ષોએ બંને દેશો વચ્ચે વધતા સંબંધોનો પણ સ્વીકાર કર્યો. સંયુક્ત સચિવ અને ભારતીય રાજદૂતે મોંગોલિયાના નાયબ સંરક્ષણ પ્રધાન બી બેરમાગ્નાઈ સાથે પણ મુલાકાત કરી અને દ્વિપક્ષીય સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરી. પ્રતિનિધિમંડળે ઉલાનબટારમાં એક પ્રશિક્ષણ સંસ્થાનની મુલાકાત લીધી અને ચાલી રહેલી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી. ભારત મોંગોલિયા સાથે વર્ષો જૂના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધો ધરાવે છે. બંને દેશો એકબીજાને ‘આધ્યાત્મિક પડોશીઓ’ માને છે. આધુનિક સમયમાં, લોકશાહી, સ્વતંત્રતા અને બજાર અર્થતંત્ર જેવા મૂલ્યો બંને રાષ્ટ્રોને નજીક લાવે છે.