ભારતે બે દિવસ પહેલા ભૂલથી પાકિસ્તાનમાં મિસાઇલ છોડી હતી. પાકિસ્તાને ફરિયાદ કર્યા બાદ ભારતે આ અંગે સ્પષ્ટતા કરી છે અને ખેદ વ્યક્ત કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ પણ આપ્યો છે.
પાકિસ્તાનને અગાઉ જણાવ્યું હતું કે ભારતમાંથી એક હાઇ સ્પીડ પ્રોજેક્ટાઇલ તેની એરસ્પેસમાં પ્રવેશ્યું હતું અને ખાનેવાલ જિલ્લાના મિયાં ચન્નુ ખાતે પડ્યું હતું. ગુરુવારની રાત્રે પાકિસ્તાને ઇસ્લામાબાદ ખાતેના ભારતીય દૂતાવાસના અધિકારીને સમન્સ કર્યા હતા તથા તેની એરસ્પેસના ઉલ્લંઘન સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાને આ મિસાઇલને સુપરસોનિક પ્રોજેક્ટાઇલ ગણાવ્યું હતું.
ભારતના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 9 માર્ચે રૂટિન મેન્ટેન્સ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે એક મિસાઇલ ભૂલથી છોડવામાં આવી હતી. ભારત સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ઊચ્ચસ્તરીય કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.
એવું માનવામાં આવે છે કે આ મિસાઇલ પાકિસ્તાનમાં જઈને પડી હતી. આ ઘટના ઘણી ખેદજનક છે, પરંતુ રાહતજનક બાબત એ છે કે આ અકસ્માતથી કોઇ જાનહાની થઈ નથી.આ ગતિવિધિથી માહિતગાર વ્યક્તિએ જણાવ્યું હતું કે તપાસ ટીમ આ અકસ્માતના તમામ સંભવિત પાસાંની તપાસ કરશે.
પાકિસ્તાના ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશનના ડિરેક્ટર જનરલ મેજર જનરલ બાબર ઈખ્તિયારે ગુરુવારે દાવો કર્યો હતો કે, શસ્ત્ર વગરનું પ્રોજેક્ટાઇલ પાકિસ્તાની એરસ્પેસમાં 124 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઘૂસ્યું હતું. ભારતનું આ ફ્લાઈંગ ઓબ્જેક્ટ ખાનેવાલ જિલ્લાના મિયાં ચન્નુની પાસે પડ્યું હતું, જેનાથી આસપાસના વિસ્તારોને થોડું નુકસાન થયું છે.
તેમણે જણાવ્યું હતું કે ગુરુવારની સાંજે 6.43 વાગ્યે પાકિસ્તાનના હવાઇ દળના એર ડિફેન્સ ઓપરેશન સેન્ટરને ભારતના વિસ્તારમાં એક હાઇ સ્પીડ ઓબ્જેક્ટ દેખાયું હતું. આ ઓબ્જેક્ટ આકસ્મિક રીતે પાકિસ્તાનના વિસ્તારમાં પ્રવેશ્યું હતું અને પાકિસ્તાનના એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું હતું. તે સાંજે 6.50 કલાકે મિયાં ચન્નુ નજીક આખરે પડ્યું હતું. ભારતના અધિકારીઓએ આ મિસાઇલની વિગત આપી ન હતી, પરંતુ પાકિસ્તાને કરેલા વર્ણન મુજબ તે બ્રહ્મોસ મિસાઇલ હોઇ શકે છે.