કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ હાલમાં જંગ ખેલી રહ્યું છે ત્યારે ભારતે મેડિકલ ડિપ્લોમસીનું ઉત્તમ ઉદાહરણ પુરૃ પાડી મિત્ર રાષ્ટ્રો સહિત અનેક દેશોની પ્રશંસા પ્રાપ્ત કરી છે. ભારતના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ ભારતે પડોશી દેશો – બંગલાદેશ, ભુતાન, અફઘાનિસ્તાન, નેપાળ, મ્યાનમાર, સેશલ્સ, મોરિશિયસ તેમજ કેટલાક આફ્રિકી દેશોને કોરોના સામે ઉપયોગી મનાતી, જીવન રક્ષક દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનના કન્સાઈનમેન્ટ્સ મોકલવાનું શરૂ કરી દીધું છે.
હિન્દ મહાસાગરમાં આવેલા મહત્ત્વના મિત્ર રાષ્ટ્ર શ્રીલંકાને તો એર ઈન્ડિયાના એક વિમાન દ્વારા 10 ટનનો આ દવાનો જથ્થો મોકલી પણ અપાયો છે. મળતી વિગતો મુજબ પડોશી દેશોને તો મિત્રતાના નાતે પેરાસિટામોલ તથા હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો જથ્થો ભેટ તરીકે (વિના મૂલ્યે) મોકલાઈ રહ્યો છે, તો અમેરિકા, યુકે, સ્પેઈન, બ્રાઝિલ, જર્મની, બહેરીન જેવા દેશોને વેપારી ધોરણે આ દવાઓનો જથ્થો મોકલવાની મંજુરી અપાઈ છે, જે ભારતીય ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓ સાથે થયેલા કોમર્સિયલ કોન્ટ્રાક્ટ્સ અનુસાર મોકલાશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા મુજબ કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા આ મતલબની સૂચનાઓ આપવામાં આવી છે. ભારતની પોતાની જરૂરિયાતને પહોંચી વળવા માટે પુરતો જથ્થો હોવાની ખાતરી કરાયા પછી સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સમાંથી આ નિકાસને મંજુરી આપવામાં આવી છે.ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અખાતી દેશોની (ગલ્ફ કન્ટ્રીઝ) આ દવાઓની જરૂરિયાત ઉપર પણ નજર રાખી રહ્યા છે અને તેઓ આ દેશોના વિદેશ પ્રધાનો સાથે આ બાબતે સંપર્કમાં છે. આ ઉપરાંત, ફ્રાન્સ અને ઈટાલી જેવા દેશો સાથે પણ આ મુદ્દે સંપર્કમાં છે. વિદેશ સચિવ હર્ષ શ્રીંગલા ભારતના વર્ષો જુના નિકટના મિત્ર, સહયોગી રશિયા સાથે પણ સંપર્કમાં છે અને તેને જરૂર હોય તો એ પણ પુરી કરવા સજ્જ છે.