કાશ્મીર અને સીએએ પર ભારત સરકારની નીતિઓનો વિરોધ કરનારા મલેશિયાની મુશ્કેલીઓ વધી રહી છે. ભારતે મલેશિયામાંથી થતી પામ ઓઇલ આયાત બંધ કરી દીધી છે અને ભારત સરકાર ત્યાંની વધુ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. જો આમ થશે તો મલેશિયાને વાર્ષિક 11 અબજ ડોલરથી વધુ નુકસાન થશે.જો કે ભારત સરકાર દ્વારા આ અંગે અલગ જ કારણ દર્શાવવામાં આવી રહ્યું છે. કેબિનેટ સચિવાલયે વાણિજય મંત્રાલયને મોકલેલા નિર્દેશમાં જણાવવામાં આવ્યું છે કે મલેશિયાની નિકાસથી ભારતના હિતોને નુકસાન થઇ રહ્યું છે.
રિફાઇન્ડ પામ ઓઇલ, ક્રૂડ પામ ઓઇલ, કોપર અને એલ્યુમિનિયમ વાયર, માઇક્રોપ્રોસેસર અને અન્ય કોમ્પ્યુટર તથા ટેલિકોમ વસ્તુઓ, ટર્બોજેટ, એલ્યુમિનિયમ ઇગ્નોટ, એલએનજી વગેરે વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી શક્યતા છે. ભારત સરકારે મલેશિયાના પામ ઓઇલની આયાત પર પ્રતિબંદ મૂકવાની કાર્યવાહી શરૃ કરી દીધી છે. કાશ્મીર અને નાગરિકતા સંશોધન કાયદો(સીએએ)ના વિરોધમાં નિવેદન આપનાર મલેશિયા સામે ભારતે કાર્યવાહી કરી છે.
મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે કાશ્મીર મુદ્દાથી લઇને સીએએે અંગે ભારત સરકારની જોરદાર ટીકા કરતા ભારત સરકારે આ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. મહાતિરે જણાવ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદો સંપૂર્ણપણે અયોગ્ય છે. આ ઉપરાંત વિવાદિત ઇસ્લામિક ધર્મગુરૃ જાકિર નાયકને શરણ આપવાથી પણ ભારત નારાજ છે.
ભારતે 2019માં મલેશિયામાંથી 44 લાખ ટન પામ ઓઇલની આયાત કરી હતી. સરકારના આ નિર્ણયાથી ભારતમાં ક્રૂડ પામ ઓઇલ સાથે સંકળાયેલા વેપારીઓને ફાયદો થશે. ભારત સૌથી મોટા ખાદ્ય તેલ વપરાશકારો પૈકીનું એક છે. ભારતમાં દર વર્ષે પ્રતિ વ્યકિત સરેરાશ 2૦ કિલો ખાદ્ય તેલ વપરાય છે.
ઉપરની તમામ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો મલેશિયાને દર વર્ષે 11 અબજ ડોલરનું નુકસાન થશે. 2018-19માં મલેશિયાએ આ તમામ વસ્તુઓની 11 અબજ ડોલરની નિકાસ કરી હતી. ચાલુ નાણાકીય વર્ષના નવેમ્બર સુધીમાં પણ મલેશિયા આ ઉત્પાદનોની સાત અબજ ડોલરની નિકાસ કરી ચૂક્યુ છે. તેની સરખામણીમાં 2018-19માં ભારતમાંથી મલેશિયામાં ફક્ત 6.4 અબજ ડોલરની નિકાસ થઇ હતી. ચાલુ નાણાકીય વર્ષના નવેમ્બર સુધીમાં ભારતે મલેશિયામાં 4 અબજ ડોલરની નિકાસ કરી હતી. આ ઉપરાંત સરકારે મલેશિયાથી આવતા રિફાઇન્ડ પામ ઓઇલ ઉપર પણ પાંચ ટકા સેફગાર્ડ ટેક્સ નાખી દીધો છે જે માર્ચ, 2020 સુધી ચાલુ રહેશે.