ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં મિશ્ર પરિણામો પછી ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશના પ્રવાસમાં યજમાન ટીમ સામેની ત્રણ વન-ડેની સીરીઝની રવિવારે (4 ડીસેમ્બર) રમાયેલી પહેલી મેચમાં જીતની બાજી ગુમાવી દીધી હતી અને બાંગ્લાદેશનો એક વિકેટે રોમાંચક વિજય થયો હતો. ભારતીય બોલર્સ 6.3 ઓવરમાં યજમાન ટીમની છેલ્લી વિકેટ ખેરવી શક્યા નહીં અને આઠમા ક્રમે બેટિંગમાં આવેલા મેહદી હસને આકર્ષક ફટકાબાજી સાથે 39 બોલમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે અણનમ 38 રન કરી ટીમના અણધાર્યા વિજયમાં હીરોની ભૂમિકા ભજવી હતી. 11મા ક્રમે આવેલા મુસ્તફીઝુર સાથે હસને છેલ્લી વિકેટની ભાગીદારીમાં 39 બોલમાં 51 રન કર્યા હતા. તેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
બાંગ્લાદેશના સુકાની લિટન દાસે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. ભારતીય ટીમ 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં બાંગ્લાદેશનો સ્કોર પણ એક તબક્કે 9 વિકેટે 136 રનનો થયો હતો અને ત્યારે ભારતનો વિજય નિશ્ચિત લાગતો હતો. પણ આખરે બાંગ્લાદેશે 46 ઓવરમાં 9 વિકેટે 187 રન કરી ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ભારતના ટોપ ઓર્ડરનો બેટિંગમાં ધબડકો થયો હતો અને કે. એલ. રાહુલ તથા વોશિંગ્ટન સુંદરની પાંચમી વિકેટની 60 રનની ભાગીદારી તથા રાહુલના 70 બોલમાં 73 સિવાય કોઈ બેટર 30 રન સુધી પહોંચી શક્યો નહોતો. બાંગ્લાદેશના સ્પિનર શાકિબ અલ હસને વેધક બોલિંગ સાથે 36 રનમાં પાંચ તથા ઈબાદત હુસેને 47 રનમાં ચાર વિકેટ ખેરવી હતી.
ભારતીય બોલિંગ શરૂઆતમાં અસરકારક રહી હતી પણ ધીમે ધીમે બાંગ્લાદેશના બેટર્સ પકડ જમાવતા ગયા હતા. સુકાની લિટન દાસે 63 બોલમાં 41 કર્યા હતા અને 36મી ઓવરમાં ટીમે છઠ્ઠી વિકેટ ગુમાવી ત્યાં સુધી તે વિજયની સ્પર્ધામાં બરાબર હતી. એ પછી વધુ 8 રનમાં ભારતે તેની ત્રણ વિકેટ ખેરવી લેતા ભારતનો વિજય હાથવેંતમાં આવી ગયો હતો પણ છેલ્લી વિકેટે બાજી બદલી નાખી હતી.