બાંગ્લાદેશના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરે રમાયેલી બીજી વન-ડે મેચમાં 5 રને વિજય મેળવીને બાંગ્લાદેશે ભારતને સતત બીજી વન-ડે શ્રેણીમાં પરાજય આપ્યો હતો. સિરિઝની પ્રથમ મેચમાં યજમાન ટીમે પ્રથમ મેચ પણ એક વિકેટથી જીતી હતી. બાંગ્લાદેશે બીજી વખત ભારતને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. આ પહેલા 2015માં બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ત્યાં સીરિઝ હારી ગઈ હતી.
બાંગ્લાદેશે ભારતને વિજય માટે 272નો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમને છેલ્લા બોલ પર 6 રનની જરૂર હતી પરંતુ મુસ્તફિઝુર રહેમાને યોર્કર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. રોહિતે 28 બોલમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 51 રનની અણનમ ઇનિંગ રમી હતી.
બાંગ્લાદેશ માટે શરૂઆત ખરાબ રહી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ 20 ઓવરમાં દબાણ બનાવી રાખ્યું હતું. બાંગ્લાદેશે 69 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મહમુદુલ્લાહ અને મેહદી હસન મિરાજ ક્રિઝ પર હતા. બંનેએ 7મી વિકેટ માટે 148 રનની ભાગીદારી કરી હતી. ભારત સામે બાંગ્લાદેશની આ સૌથી મોટી ભાગીદારી છે. મહમુદુલ્લાહે 77 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ મિરાજે ઇનિંગના છેલ્લા બોલ પર સદી ફટકારી હતી. તે 83 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. તે નંબર-8 પર બેટિંગ કરીને ODIમાં સદી ફટકારનાર બીજા બેટ્સમેન છે.મિરાજ મહમુદુલ્લાહ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી રમવા ઉપરાંત તેણે નસુમ અહેમદ (11 બોલમાં અણનમ 18) સાથે આઠમી વિકેટ માટે 23 બોલમાં 54 રનની અતૂટ ભાગીદારી પણ કરી હતી. બાંગ્લાદેશની ટીમ ઝડપી બેટિંગ કરતા છેલ્લી 10 ઓવરમાં 102 રન જોડવામાં સફળ રહી હતી. ભારત તરફથી વોશિંગ્ટન સુંદર સૌથી સફળ બોલર રહ્યો, જેણે 37 રનમાં ત્રણ વિકેટ લીધી. ઉમરાન મલિક અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી.
ભારતનો સ્કોર એક તબક્કે ચાર વિકેટે 65 રન હતો, ત્યાર બાદ શ્રેયસ અય્યર (82 રન) અને અક્ષર પટેલ (56 રન) વચ્ચે પાંચમી વિકેટ માટે 107 રનની ભાગીદારી થઈ હતી. રોહિતની ઇજાને કારણે ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલો વિરાટ કોહલી (5) બીજી ઓવરમાં જ ઇબાદત હુસૈન (45 રનમાં 3 વિકેટ)નો શિકાર બન્યો હતો. શિખર ધવનનું (આઠ) ખરાબ ફોર્મ ચાલુ રહ્યું. વોશિંગ્ટન સુંદર (11)ને ચોથા નંબર પર મોકલવાનો પ્રયોગ સફળ ન થયો અને શાકિબ અલ હસને તેની પ્રથમ ઓવરમાં પેવેલિયન ભેગો કરી દીધો.
કેએલ રાહુલ (14) સ્પિનરો સામે સંઘર્ષ કરી રહ્યો હતો અને મેહિદી હસને (46 રનમાં 2 વિકેટ) તેને એલબીડબ્લ્યુ આઉટ કરીને ભારતને ચોથો ઝટકો આપ્યો હતો. બીજી તરફ, અય્યરે 69 બોલમાં તેની પચાસ પૂરી કરી અને પછી મેહિદી હસનને લોંગ-ઓન પર સુંદર સિક્સર ફટકારી. તેણે આ બોલર પર સિક્સર ફટકારીને અક્ષર સાથેની ભાગીદારીને 100 રન સુધી પહોંચાડી દીધી. જો કે, એ જ ઓવરમાં અય્યરે બોલને હવામાં લહેરાવ્યો અને ડીપ મિડવિકેટ પર કેચ આપી દીધો.ક્ષરે નસુમને સિક્સર ફટકારી અને પછી તેની ODI કારકિર્દીની બીજી અડધી સદી પૂરી કરી. હાથ પર પટ્ટી બાંધેલી હોવા છતાં રોહિત નવમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેની સાથે બીજા છેડે દીપક ચહર (11) હતો, જે બાંગ્લાદેશની ઇનિંગ્સમાં હેમસ્ટ્રિંગની ઈજાને કારણે માત્ર ત્રણ ઓવર જ ફેંકી શક્યો હતો. રોહિતે ઇબાદત હુસૈન અને મહમુદુલ્લાહ પર બે-બે છગ્ગા ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. જો કે, છેલ્લી બોલ પર ટીમ ઈન્ડિયા હારી જતા તેની તોફાની ઇનિંગ બેકાર ગઈ હતી.