ન્યૂઝીલેન્ડે માઉન્ટ મૌંગાનુઈ મંગળવારે (11 ફેબ્રુઆરી) રમાયેલી ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ્સની સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં પણ ભારતને 5 વિકેટે હરાવી સીરીઝ 3-0થી જીતી લીધી છે.
ભારતીય ટીમનો વન-ડે ક્રિકેટમાં આશરે 31 વર્ષ પછી વાઈટ વોશ થયો છે. છેલ્લે 1988/89માં પાંચ મેચની સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝે 5-0થી ભારતને હરાવ્યું હતું. ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ લીધી હતી અને લોકેશ રાહુલ (112) અને શ્રેયસ અય્યર (62) ની આધારભૂત બેટિંગ સાથે 50 ઓવરમાં 7 વિકેટે 296 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડ સામે આ કોઈ મોટો પડકાર નહોતો.
યજમાન ટીમે 47.1 ઓવરમાં 5 વિકેટે 300 રન કરી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. હવે બે મેચની ટેસ્ટ સિરીઝનો આરંભ 21 ફેબ્રુઆરીથી થશે.
297 રનના ટાર્ગેટ પછી ન્યૂઝીલેન્ડ 47.1 ઓવરમાં 5 વિકેટે જ મંઝિલે પહોંચી ગઈ હતી. ન્યૂઝીલેન્ડ વતી હેનરી નિકોલ્સે 80, માર્ટિન ગપ્ટિલે 66, કોલિન ડિ ગ્રાન્ડહોમે 58* અને ટોમ લાથમે 32* રન કર્યા હતા. ભારત તરફથી ચહલને 3, જાડેજા અને શાર્દુલને એક-એક સફળતા મળી હતી.
અગાઉ ભારતીય ટીમે 7 વિકેટે 296 રન કર્યા હતા. લોકેશ રાહુલે પોતાની ચોથી વન-ડે સદી કરી હતી. શ્રેયસ અય્યરે 62 અને મનીષ પાંડેએ 42 રનનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો, તો પૃથ્વી શોએ 40 રન કર્યા હતા.
રાહુલે વન-ડે કેરીઅરની ચોથી સદી કરી હતી.
બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડનો 22 રને વિજયઃ
શનિવારે (8 ફેબ્રુઆરી) ઓકલેન્ડમાં ઈન્ડિયાને સતત બીજી વન-ડેમાં હરાવી ન્યૂઝીલેન્ડે ભારત સામેની ત્રણ મેચની સીરીઝ 2-0થી જીતી લીધી હતી. ભારત 22 રનથી હારી જતાં કોહલીની આગેવાની હેઠળનો ભારતનો વિજયરથ આખરે અટકી ગયો હતો.
પહેલી વન-ડેમાં ન્યૂઝીલેન્ડનો 4 વિકેટે વિજય થયો હતો. ઓકલેન્ડમાં વિરાટ કોહલીએ ટોસ જીતી ન્યૂઝીલેન્ડને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. યજમાન ટીમે 8 વિકેટે 273 રન કર્યા હતાં. તેના જવાબમાં ભારતીય ટીમ 48.1 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઈ જતાં 22 રનથી મેચ હારી ગઈ.
ન્યૂઝીલેન્ડ માર્ટિન ગપ્ટિલે સૌથી વધુ, 79 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 79 રનનો ફાળો આપ્યો હતો, તો રોસ ટેલરે 74 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 73 રન કર્યાં હતા. હેનરી નિકોલસે 41 રન કર્યાં. કિવી ટીમે છેલ્લી પાંચ ઓવરમાં 53 રન કર્યાં હતાં.
એક તબક્કે ન્યૂઝીલેન્ડની સ્થિતિ આઠ વિકેટે 197 રનની હતી, એ પછી
ટેલરે નવમી વિકેટની ભાગીદારીમાં જેમીસન સાથે 51 બોલમાં 76 રન કરી સ્કોર થોડો પડકારજનક સ્તરે પહોંચાડ્યો હતો. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે 3, શાર્દુલ ઠાકુરે 2 અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી.
274 રનના ટાર્ગેટ સામે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. 34 રનમાં તો બે વિકેટ ગુમાવી દીધા હતાં. એ પછી વિરાટ કોહલી 15 અને રાહુલ 4 રન કરીને પેવેલિયન ભેગા થયા હતા. કેદાર જાધવ પણ ખાસ ટક્યો નહોતો અને 96 રનમાં તો ભારતે 5 વિકેટ ગુમાવી દીધી હતી.
એ પછી શ્રેયસ ઐય્યરે 57 બોલમાં 52 અને રવિન્દ્ર જાડેજાએ 73 બોલમાં 55 રન કરી બાજી સંભાળી હતી, તો શાર્દુલ ઠાકુરે 15 બોલમાં 18 રન અને નવદીપ સૈનીએ પણ 45 રન કર્યા હતા. જો કે, ટીમ ઈન્ડિયાને તેઓ પરાજયથી બચાવી શક્યા નહોતા. ન્યૂઝીલેન્ડ તરફથી પાંચ બોલર્સે બે-બે વિકેટ ઝડપી હતી.
પ્રથમ વન-ડેમાં રેકોર્ડ રનચેઝ સાથે ન્યૂઝીલેન્ડનો વિજયઃ અગાઉ, હેમિલ્ટનમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં બુધવારે (5 ફેબ્રુઆરી) ન્યૂઝીલેન્ડે 348 રન કરી રેકોર્ડ રનચેઝ સાથેનો વિજય હાંસલ કર્યો હતો. ભારત તરફથી શ્રેયસ ઐયરની પહેલી વન-ડે સદી તથા લોકેશ રાહુલના અણનમ 88 રન સાથે ચાર વિકેટે 347 રન કર્યા હતા. સુકાની કોહલીએ 51 રન કર્યા હતા, પણ મયંક અગ્રવાલ અને પૃથ્વી શો ખાસ દેખાવ કરી શક્યા નહોતા.
તેના જવાબમાં ન્યૂઝિલેન્ડે રોસ ટેલરની અણનમ સદી તથા હેનરી નિકોલસના 78 તેમજ ટોમ લેથમના 69 રન સાથે છ વિકેટે 348 રન કરી અત્યાર સુધીમાં રન ચેઝમાં સૌથી વધુ સ્કોર સાથે વિજય મેળવ્યો હતો.
રોસ ટેલરે 73 બોલ પર 10 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે સદી કરી હતી.
2006માં ઓસ્ટ્રેલિયાના 434 રન સામે દક્ષિણ આફ્રિકાએ 49.5 ઓવરમાં 438 રન કરી એક વિકેટે વિજય સાથે ઈતિહાસ સર્જ્યો હતો. વન-ડે ઈન્ટરનેશનલ્સમાં ટીમોનો એ સૌથી મોટો સ્કોર રહ્યો છે.