ભારતમાં લોકસભા ચૂંટણી યોજાઇ રહી છે તેમાં છઠ્ઠા તબક્કામાં 58 બેઠકો પર શનિવારે મતદાન થશે, આ માટે ચૂંટણી પંચ દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. છ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની 58 બેઠક પર ચૂંટણી પ્રચાર ગુરુવારે સાંજે પૂર્ણ થયો હતો. આ તબક્કામાં દિલ્હીની તમામ સાત બેઠક ઉપરાંત ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાશે. અત્યાર સુધીમાં 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 428 બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. હવે ૨૫ મેના રોજ દિલ્હીની સાત, ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને પશ્ચિમ બંગાળની 8-8, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર ચૂંટણી યોજાશે. અંતિમ તબક્કાનું મતદાન પહેલી જૂને યોજાશે અને 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. શનિવારે છઠ્ઠા તબક્કામાં યોજાનારી ચૂંટણીના જાણીતા ઉમેદવારોમાં ભાજપના ધર્મેન્દ્ર પ્રધાન, મનોજ તિવારી, મેનકા ગાંધી, મનોહરલાલ ખટ્ટર, નવીન જિંદલ અને રાવ ઇન્દ્રજિત સિંહનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસના કન્હૈયા કુમાર, પીડીપીના મહેબૂબા મુફ્તીનું રાજકીય ભવિષ્ય પણ મતપેટીમાં બંધ થશે.
ગત 20મી મેના રોજ દેશના છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો પર યોજાયેલા લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કામાં 62.2 ટકા મતદાન નોંધાયું હતું. 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન પાંચમા તબક્કામાં 64.16 ટકા મતદાન નોંધાયું હતું.

LEAVE A REPLY