ભારતે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂટણી યોજવા માટે આપેલા આદેશનો કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ બાબતોના મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાનને અગાઉ જણાવાયું છેકે ગિલગિટ બાલ્ટિસ્તાન સહિતનો જમ્મુ અને કાશ્મિર તેમજ લદ્દાખનો વિસ્તાર ભારતનો અભિન્ન હિસ્સો છે અને ઈસ્લામાબાદે આ ગેરકાયદે કબ્જે કરાયેલા હિસ્સાને તાત્કાલિક ખાલી કરી દેવો જોઈએ.
તાજેતરમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક ઓર્ડરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન સરકારમાં ફેરફાર માટેના 2018ના આદેશમાં સુધારાને મંજૂરી આપતા વિસ્તારમાં સામાન્ય ચૂંટણી યોજવા આદેશ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનના વરિષ્ઠ રાજદ્વારીને ડીમાર્શ મોકલવા સાથે કડક વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના આ આદેશનો ભારતે વિરોધ કર્યો તેમજ કથિત ગિલગિટ-બાલ્ટિસ્તાન સામે વાંધો વ્યક્ત કર્યો હતો.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અગાઉ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પણ સમાવેશ કરાયો છે. આ હિસ્સો કાયદાકીય તેમજ અફર રીતે ભારતનો અભિન્ન ભાગ છે. પાકિસ્તાન સરકાર કે તેની ન્યાય વ્યવસ્થાનો ગેરકાયદે તેમજ બળપૂર્વક પચાવી પાડવામાં આવેલા વિસ્તારમાં કોઈ જ સ્થાનિક અધિકાર નથી.
ભારત સંપૂર્ણપણે આને વખોડે છે પાક. હસ્તકના ભારતના જમ્મુ અને કાશ્મીરની હદના વિસ્તારોમાં ફેરફારને ફગાવે છે તેમ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું. આના બદલે પાકિસ્તાને સમગ્ર વિસ્તારને ખાલી કરી દેવો જોઈએ જે તેણે ગેરકાયદે કબ્જે કર્યો છે.