કોરોના વાઈરસના રોગચાળા સામેના જંગમાં ભારતે વૈશ્વિક સ્તરે નેતૃત્ત્વની ભૂમિકા સંભાળી લીધી હતી અને અમેરિકાના એક વગદાર સાંસદે ભારતની આ ભૂમિકાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ભારતે હાયડ્રોક્સીક્લોરોક્વીન જેવી અગત્યની દવાનો મોટો જથ્થો પુરો પાડી અમેરિકાને પણ સહાય કરી હતી.
કોંગ્રેસના ઈન્ડિયા તથા ઈન્ડિયન-અમેરિકન્સના કોકસના કો-ચેર, જ્યોર્જ હોલ્ડિંગે કહ્યું હતું કે, ભારત અમેરિકાનું સૌથી નિકટના તેમજ સૌથી મહત્ત્વના સહયોગીઓમાંનું એક છે અને બન્ને દેશો વચ્ચેના સંબંધોને વોશિંગ્ટન ડી.સી.માં પણ બન્ને તરફનું સમર્થન મળતું રહ્યું છે. કોરોના વાઈરસના રોગચાળા સામેના જંગમાં ભારત અગ્રણી બની રહ્યું તે બદલ હું આભારની લાગણી વ્યક્ત કરૂં છું, અમારા બન્ને દેશો વચ્ચેના આ ખાસ સંબંધો આ રોગચાળાના માહોલમાં પણ મજબૂત રહ્યા છે તે મારા માટે આનંદની વાત છે.
નોર્થ કેરોલાઈનાના આ વગદાર રીપબ્લિકન કોંગ્રેસમેને એક નિવેદનમાં અમેરિકામાં કાર્યરત ઈન્ડિયન-અમેરિકન સેવાભાવી સંસ્થાઓની પણ રાહત કાર્યોમાં સક્રિયતાની પ્રશંસા કરી હતી.
અમેરિકાની ભૂમિ ઉપર સેવા ઈન્ટરનેશનલ જેવી સંસ્થાઓ આરોગ્ય કાર્યકરોને માસ્ક ડોનેટ કરવામાં, તેમને ભોજન ઉપલબ્ધ બનાવવામાં તેમજ વયસ્ક અને એકલા રહેતા, જરૂરતમંદ લોકોને ભોજન તેમજ દવાઓ સુલભ રહે તે માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે તેની સાંસદે નોંધ લીધી છે.
અમેરિકાનું આ સૌથી નિકટનું અને સૌથી મહત્ત્વના સાથીઓમાંનું એક કઈ રીતે હજ્જારો માઈલ દૂર હોવા છતાં અમેરિકામાં પણ કોરોનાની આ કટોકટીમાં કેવી રીતે અસરકારક બની રહ્યું છે તે જાણવું ખૂબજ સુખદ આશ્ચર્ય સમાન છે.
16મી એપ્રિલ સુધીમાં 1,500થી વધુ અમેરિકન નાગરિકો જે પ્રવાસ નિયંત્રણોના કારણે ભારતમાં અટવાયા હતા, તેમને અમેરિકા પાછા લાવી શકાયા છે અને તેમાં પણ ભારતીય સત્તાવાળાઓએ આપેલા સહયોગનો તેઓએ ઉલ્લેખ કર્યો હતો.