વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેમણે સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સંપન્ન દેશો પણ કોરોનાની મહામારીની લપેટમાં આવી ચૂક્યા છે. સાધન સંપન્ન હોવા છતાં આ દેશોમાં કોરોના રોકી શકાયો નથી. એ જ દર્શાવે છે કે કોરોના વાયરસ ફેલાયા પછી તેને રોકવો અશક્ય છે. સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયા માટે લોકડાઉનનું હું એલાન કરું છું.
દેશવાસીઓએ તેનું ચુસ્ત પાલન કરવું પડશે કારણ કે કોરોનાને હટાવવાનો તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી.અમેરિકા, ઈટાલી, સ્પેન, ફ્રાન્સ અને જર્મની જેવા સાધન સંપન્ન અને સમૃદ્ધ દેશો પણ કોરોનાનો પ્રભાવ ખાળી શક્યા નથી. આ દેશોના અનુભવ પરથી નિષ્કર્ષ નીકળે છે કે બીજા કે ત્રીજા સપ્તાહમાં જ કોરોનાને ફેલાતો રોકવો પડશે. કોરોનાનો એક જ મતલબ હું કરી રહ્યો છુંઃ કોઈ રોડ પર ના નીકલે. રોજેરોજે આપણે સંકલ્પ કરવાનો છે કે આપણે ખુદ સુરક્ષિત રહીએ, પરિવારને સુરક્ષિત રાખીએ અને દેશને સુરક્ષિત રાખીએ.
આપણે સૌ ઘરમાં રહીને એ લોકો માટે પ્રાર્થના કરીએ જે પોતાની જાતને જોખમમાં મૂકીને ઈલાજ કરી રહ્યા છે. હોસ્પિટલમાં કામ કરી રહેલાં ડોક્ટરો, નર્સ, પેથોલોજિસ્ટ, વોર્ડબોય, એમ્બ્યુલન્સના ડ્રાઈવર એ દરેક પોતાની કે પરિવારની ચિંતા છોડીને બીજાની સેવા કરે છે. સ્વચ્છતા અને સેનિટાઈઝેશનના કામમાં જોડાયેલા દરેક કર્મચારીઓ સલામને પાત્ર છે. તમને સાચી માહિતી આપવા માટે સંક્રમણનું જોખમ ઊઠાવીને ચોવીશ કલાક કામ કરી રહેલાં મીડિયાકર્મીઓનો વિચાર કરો.
રસ્તા પર ઊભા રહીને કાયદો અને વ્યવસ્થાની ચિંતા કરી રહેલાં પોલીસકર્મીઓની ચિંતા કરો. એમનો આભાર પ્રગટ કરો. સંક્રમિત એક વ્યક્તિ એક સપ્તાહ કે દસ દિવસમાં સેંકડો લોકોને અસર કરી શકે છે. તે આગન માફક ફેલાય છે. કોરોના વાઈરસ સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખ સુધી પહોંચવામાં 67 દિવસ લાગ્યા ત્યારબાદ 11 દિવસમાં વધુ એક લાખ સંક્રમિત થયા, ત્યારબાદ 2 લાખ સંક્રમિત લોકોથી 3 લાખ સુધી પહોંચવામાં ચાર દિવસ જ લાગ્યા. તમે અંદાજ લગાવી શકો છો કે તે કેટલી ઝડપથી ફેલાય છે.
જ્યારે તે ફેલાવાની શરૂઆત થાય છે ત્યારે તેને રોકવું મુશ્કેલ છે. ચીન. અમેરિકા, ફ્રાંસ, ઈટલી, ઈરાન જેવા અનેક દેશમાં કોરોના ફેલાવાની શરૂઆત કરી ત્યારે સ્થિતિ બેકાબુ બન્યા. ઈટાલી હોય કે અમેરિકા આ દેશોની આરોગ્ય સુવિધાઓ સંપૂર્ણ વિશ્વમાં શ્રેષ્ઠ છે. તેમ છતાં આ દેશો કોરોનાનો પ્રભાવ ઓછો કરી શક્યા નથી. દેશમાં આવશ્યકતાના તમામ પગલાંઓ લેવાઈ રહ્યા છે. જરૂરી ચીજવસ્તુની અછત નહિ થાય. મેડિકલ સુવિધાઓ વધારી દેવાઈ રહી છે. હેલ્થકેર જ અત્યારે સમગ્ર દેશની પ્રાથમિકતા છે. અફવાઓ ફેલાવશો નહિ, અફવાઓ માનશો નહિ. કોઈપણ પ્રકારના સમાચાર ખરાઈ કર્યા વગર બીજાને મોકલશો નહિ.