ભારત દૂધ ઉત્પાદનના સંદર્ભમાં વિશ્વમાં નંબર-1 દેશ બની ગયો છે. 2021-22માં વિશ્વમાં દૂધના કુલ ઉત્પાદનમાં ભારતે 24 ટકા યોગદાન આપ્યું હતું.કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી પ્રધાન પુરુષોત્તમ રુપાલાએ મંગળવારે લોકસભામાં જણાવ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ બની ગયો છે. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાએ એક લેખિત જવાબમાં કહ્યું કે ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કોર્પોરેટ સ્ટેટીસ્ટીકલ ડેટાબેઝ (એફએઓએસટીએટી)ના ઉત્પાદન આંકડા અનુસાર, ભારત વર્ષ 2021-22માં વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં 24 ટકા યોગદાન આપનાર દુનિયાનો સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ છે.
ભારતના દૂધ ઉત્પાદનમાં છેલ્લા આઠ વર્ષ દરમિયાન વર્ષ 2014-15 અને 2021-22 દરમિયાન 51 ટકાની વૃદ્ધિ થઈ છે. 2021-22માં વધીને દૂધ ઉત્પાદન 22 કરોડ ટન થયું હતું. પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા ડેરી ક્ષેત્રમાં આર્થિક રુપથી નબળા ખેડૂતોના ફાયદા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.