રવિવારે (27 ફેબ્રુઆરી) હિમાચલ પ્રદેશના ધરમશાલામાં પુરી થયેલી ત્રણ ટી-20 મેચની સિરિઝમાં ભારતે શ્રીલંકાને પણ 3-0થી સજ્જડ પરાજય આપી સતત ચોથી લિમિટેડ ઓવર્સ સીરીઝમાં વિજયધ્વજ ફરકાવ્યો હતો. આ સીરીઝમાં ભારતીય બેટિંગમાં પણ શ્રેયસ ઐયર છવાયેલો રહ્યો હતો અને ત્રણે મેચમાં અડધી સદી તથા બેમાં અણનમ રહી સીરીઝમાં સૌથી વધુ રનનો રેકોર્ડ કર્યો હતો. તેને પ્લેયર ઓફ ધી મેચ અને પ્લેયર ઓફ ધી સીરીઝનો એવોર્ડ અપાયો હતો.
શ્રેયસે પ્રથમ ટી-૨૦માં ૨૮ બોલમાં અણનમ ૫૭, બીજી મેચમાં ૪૪ બોલમાં અણનમ ૭૪ તેમજ રવિવારની મેચમાં 45 બોલમાં અણનમ 73 રન કર્યા હતા.
રવિવારે શ્રીલંકાએ ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું પણ તેઓ પહેલી બેટિંગનો બરાબર લાભ લઈ શક્યા નહોતા, પાંચ વિકેટે ફક્ત 146 રન કરી શક્યા હતા. ભારત વતી નવોદિત આવેશ ખાને ચાર ઓવરમાં એક મેઈડન સાથે ફક્ત 23 રન આપી બે વિકેટ ઝડપી હતી, તો મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ અને રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી દિનેશ ચાંદીમલે 22 તથા સુકાની દસુન શનાકાએ અણનમ 74 રનનો મુખ્ય ફાળો આપ્યો હતો, તો ચમિકા કરૂણારત્નેએ અણનમ 12 રન કરી શનાકાને સાથ આપ્યો હતો.
જવાબમાં ભારતે વિજયનો ૧૪૭ રનનો ટાર્ગેટ ૧૬.૫ ઓવરમાં જ ચાર વિકેટે હાંસલ કર્યો હતો. રોહિત સસ્તામાં આઉટ થયો તે પછી શ્રેયસે સંજુ સેમસન સાથે ૨૮ બોલમાં ૪૫ રનની, હૂડા સાથે ૩૮ અને છેલ્લે જાડેજા સાથે ૨૭ બોલમાં અણનમ ૪૫ રનની ભાગીદારી કરી હતી.
બીજી ટી-૨૦માં શ્રીલંકાનો સાત વિકેટે પરાજય
એ પહેલા, શનિવારે (26 ફેબ્રુઆરી) ભારતે 184 રનનો ટાર્ગેટ પણ આસાનીથી હાંસલ કરી પ્રવાસી ટીમને સાત વિકેટે હરાવી હતી. બીજી મેચમાં ભારતે ટોસ જીતી શ્રીલંકાને પહેલા બેટિંગમાં ઉતારી હતી અને શ્રીલંકાના બેટ્સમેને ભારતની બાજી ઉંધી વાળી હોય તેમ પાંચ વિકેટે 183 રન ખડકી દીધા હતા. ઓપનર્સ નિસાંકાના 73 અને ગુણથિલકાના 28 તથા સુકાની શનાકાના અણનમ 47 રન મહત્ત્વના રહ્યા હતા. ભારત તરફથી પાંચેય બોલર્સને એક-એક વિકેટ મળી હતી.
જવાબમાં ભારતની શરૂઆત તો નબળી જ રહી હતી, બન્ને ઓપનર્સ કઈં ખાસ કર્યા વિના જ પાછા ફર્યા હતા. એ પછી શ્રેયસ ઐયરે સંજુ સેમસન અને પછી રવિન્દ્ર જાડેજા સાથેની ભાગીદારીમાં અનુક્રમે 84 અને પછી 58 રન કરી કપરો ટાર્ગેટ પણ 17.1 ઓવર્સમાં હાંસલ કર્યો હતો.
પ્રથમ મુકાબલામાં ભારતનો ૬૨ રને વિજય
લખનૌમાં ગુરૂવારે રમાયેલી પહેલી મેચમાં ભારતનો 62 રને વિજય થયો હતો. શ્રીલંકાએ ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ લેવા કહ્યું હતું. ભારતના ઓપનર્સ – સુકાની રોહિત શર્મા તથા વિકેટ કીપર ઈશાન કિસને સદીની ભાગીદારી કરી શનાકાના નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. રોહિત શર્માએ 32 બોલમાં 44 અને ઈશાન કિસને 56 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 89 તથા એ પછી શ્રેયસ ઐયરે 28 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 57 રનની આતશબાજી રમી ભારતનો સ્કોર ફક્ત બે વિકેટે 199 સુધી પહોંચાડી દીધો હતો. ઈશાન કિસનને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. શ્રીલંકાના ત્રણે મોખરાના બોલરે દરેકે 10 રનથી વધુની સરેરાશથી રન આપ્યા હતા. તો
જવાબમાં શ્રીલંકા ક્યારે ય સ્પર્ધામાં રહી નહોતી. તે ૬ વિકેટે ૧૩૭ રન સુધી જ પહોંચી શકી હતી. તેની પાંચ વિકેટ તો 60 રનમાં જ પડી ગઈ હતી અને ત્યારે 11મી ઓવરનો ફક્ત એક બોલ બાકી હતો. જો કે, કરૂણાત્નેએ 14 બોલમાં 21 અને ચમીરાએ 14 બોલમાં 24 રન કરી છેલ્લી ચાર ઓવર્સમાં લગભગ 40 રન ઉમેરતા શ્રીલંકા 137 રનના કઈંક સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ફક્ત બે ઓવરમાં બે વિકેટ તથા વેંકટેશ ઐયરે ત્રણ ઓવરમાં બે વિકેટ ખેરવી હતી