શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની સીરીઝમાં પહેલી બે મેચમાં વિજય પછી અંતિમ મેચમાં સોમવારે (27 જુન) શ્રીલંકાએ ભારત સામે આશ્વાસનરૂપે ત્રીજી મેચમાં સાત વિકેટે વિજય મેળવ્યો હતો. આ અગાઉ, બીજી મેચ સાથે ભારતે શ્રેણી જીતી લઈ સળંગ 12 ટી-20 મેચમાં પરાજયની નામોશી વહોરી હતી. ત્રણ મેચની આ સીરીઝ ડમ્બુલામાં રમાઈ હતી.
ભારતે પહેલા બેટિંગ કરતાં પાંચ વિકેટે 138 રન કર્યા હતા, જેમાં હરમનપ્રીતના અણનમ 39 મુખ્ય હતા, તો જવાબમાં શ્રીલંકાની સુકાની ચમારી અથાપથ્થુએ અણનમ 80 રન કરી ટીમને વિજયની મંઝિલે પહોંચાડી હતા. તેણે 48 બોલની ઈનિંગમાં 14 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા.
બીજી મેચમાં ભારતનો પાંચ વિકેટે વિજયઃ આ અગાઉ, શનિવારે (25 જુન) રમાયેલી બીજી ટી-20માં ભારતે શ્રીલંકાને પાંચ વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાના ૭ વિકેટે ૧૨૫ના સ્કોર સામે ભારતે ૧૯.૧ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૭ રન કરીને મેચ જીતી લીધી હતી.
જીતવા માટેના ૧૨૬ના ટાર્ગેટ સાથે મેદાને પડેલી ભારતીય ટીમ તરફથી ઓપનર સ્મૃતિ મંધાનાએ ૩૯ રન કર્યા હતા. તે ઉપરાંત, સુકાની હરમનપ્રીતે ૩૨ બોલમાં બે ચોગ્ગા સાથે અણનમ ૩૧ રન કરી ટીમને જીતાડી હતી.
અગાઉ શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. વિશ્મી ગુણારત્નેએ ૪૫ અને ચામારી અટાપટ્ટુએ ૪૩ રન સાથે ૮૭ રનની ભાગીદારી કરી હતી.
પ્રથમ મેચમાં ભારતનો 34 રને વિજયઃ ગુરૂવારે (23 જુન) રમાયેલી સીરીઝની પહેલી મેચમાં ભારતે યજમાન ટીમને 34 રને હરાવી હતી. પ્લેયર ઓફ ધ મેચ જેમીમા રોડ્રિગ્ઝે ધમાકેદાર પુનરાગમન કરી ૨૭ બોલમાં અણનમ ૩૬ રન કરી ટીમની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે ઉપરાંત ઓપનર શેફાલી વર્માએ 31 રન કરતાં ભારત 20 ઓવર્સમાં 6 વિકેટે 138નો સ્કોર કર્યો હતો. તેના જવાબમાં યજમાન ટીમ 20 ઓવર્સમાં પાંચ વિકેટે ફક્ત 104 રન સુધી જ પહોંચી શકી હતી.