ભારતે શ્રીલંકાના પ્રવાસમાં ત્રણ વન-ડે મેચની સીરીઝ 2-1થી જીતી લીધા પછી રવિવારે શરૂ થયેલી ટી-20 સીરીઝમાં પણ વિજયી શરૂઆત કરી હતી. શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકાને 38 રને હરાવી ત્રણ મેચની આ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી. શ્રીલંકાએ ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગ લેવા આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 164 રન કર્યા હતા. જવાબમાં શ્રીલંકા 126 રનમાં જ ઓલાઉટ થઈ ગયું હતું.
ભારત તરફથી સુકાની શિખર ધવને 46, સૂર્યકુમાર યાદવે 50, સંજુ સેમસને 27 અને વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને અણનમ 20 કર્યા હતા, તો ઓપનર પૃથ્વી શો તેની પહેલી જ ટી-20 મેચમાં ખાતુ ખોલાવ્યા વિના પહેલા જ બોલે આઉટ થયો હતો. શ્રીલંકા તરફથી ચમીરા તથા હસરંગાએ બે-બે વિકેટ ઝડપી હતી. તો ચાર વિકેટ ખેરવવા બદલ ભૂવનેશ્વર કુમારને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
શ્રીલંકા તરફથી ઓપનર અવિષ્કા ફર્નાન્ડોએ 26 તથા અસલંકાએ 44 રન કર્યા હતા, તે સિવાયના બેટ્સમેન ખાસ કઈં કરી શક્યા નહોતા. ભારત તરફથી ભૂવીની ચાર સિવાય દીપક ચાહરે બે તથા બાકી બધા બોલર્સે એક-એક વિકેટ લીધી હતી.