ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે મેચ પર ભારત મજબૂત પકડ મેળવી હતી. હવે ટીમ ઈન્ડિયા જીતથી માત્ર 5 વિકેટ દૂર છે. ભારતની બીજી ઈનિંગ્સ સાત વિકેટના નુકસાન પર 276 રનો પર ડિકલેર કરવામાં આવી હતી આ રીતે ન્યૂઝીલેન્ડની સામે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ જીતવા માટે 540 રનોનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો.
ભારતે પહેલી ઈનિંગ્સમાં 325 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 62 રનો પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બીજી ઈનિંગ્સમાં મયંક અગ્રવાલે 62 રન, ચેતેશ્વર પુજારાએ 47 રન, શુભમન ગિલે 47 રન, અક્ષર પટેલે અણનમ 41 રન બનાવ્યા હતા. અને કેપ્ટન વિરાટ કોહલીએ 36 રનોનું યોગદાન આપ્યું હતું.
બીજી ટેસ્ટના ત્રીજા દિવસે બીજી ઈનિંગ્સમાં બેટિંગ કરવા માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી. કેપ્ટન ટોમ લિથમ 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે વિલ યંગ 20 રન બનાવી શક્યો હતો. આ ઉપરાંત ડેરેલ મિશેલે 92 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 60 રનોની ઈનિંગ્સ રમીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, રોસ ટેલર પણ 6 રન બનાવીને પરત ફર્યો હતો. જ્યારે વિકેટકીપર ટોમ બ્લન્ડેલ 0 રન બનાવી શક્યો હતો.
ન્યૂઝીલેન્ડ તરફથી બેટર્સ અને બોલર્સ બંને દ્વારા ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારત તરફથી ટોપ અને મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ રન બનાવ્યા હતા, જ્યારે સ્પિનર્સે પણ કિવી ટીમ માટે મુશ્કેલી ઉભી કરી હતી. સેકન્ડ ઈનિંગ્સમાં કિવી બેટર્સ દ્વારા નિરાશાજનક પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હજુ પણ તેઓ જીતથી 400 રન દૂર છે. હેન્રી નિકોલસ અને રચિન રવીન્દ્ર 36 અને 2 રન બનાવીને નોટ આઉટ રહીને પેવેલિયન પરત ફર્યા હતા. ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડનો સ્કોર પાંચ વિકેટે 140 રન છે. સેકન્ડ ઈનિંગ્સમાં અશ્વિન ત્રણ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે આજના દિવસના અંતિમ સેશનમાં એક વિકેટ ઝડપી હતી.