ગાંધીનગરમાં શનિવારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં વિદેશ મંત્રી એસ. જશંકરે સંબોધન કર્યું હતું. (ANI Photo)

ત્રાસવાદના મુદ્દે પાકિસ્તાન સહિતના દેશોને આકરો સંદેશ આપતા કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે સીમા પારના આતંકવાદનો સામનો કરવામાં ભારત હવે બીજો ગાલ ધરવાના મૂડમાં નથી. આપણા દેશને આઝાદી મળી ત્યારથી જ આતંકવાદ શરૂ થયો છે. જો કોઈ સીમાપારના આતંકવાદનું કૃત્ય આચરે છે, તો તેનો સામનો કરવા માટે જડબાતોડ જવાબ સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ બની જાય છે.

સીમાપારના આતંકવાદનો સામનો કરવાની જરૂરિયાતની જોરદાર તરફેણ કરતાં વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતને આઝાદી મળી ત્યારે દેશ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. લશ્કર-એ-તૈયબા (LeT)નો મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલા ભારતમાં આતંકવાદ માટે એક ટર્નિંગ પોઇન્ટ હતો. 26/11ના આતંકી હુમલાનું ક્રુર સત્ય અને ખતરનાક પ્રભાવ જોયો ન હતો ત્યાં સુધી ઘણા લોકો ભ્રમણામાં હતાં. આ ભ્રમણા હવે ભાગી ગઈ છે. હવે આપણે સૌ પ્રથમ તેનો જવાબ આપવાની જરૂર છે. હું એવા લોકોને જાણું છું કે જેઓ કહેતા હતા કે આપણી પાસે બીજો ગાલ ધરવાની ખૂબ જ સ્માર્ટ વ્યૂહરચના છે. હવે આવો દેશનો મિજાજ હોય તેવું મને લાગતું નથી. આ નીતિ અર્થપૂર્ણ હોય તેવું લાગતું નથી. તે વ્યૂહાત્મક હોય તેવું પણ લાગતું નથી. જો કોઇ સીમા પારનો આતંક ફેલાવે છે, તો તમારે જવાબ આપવો જ પડશે, તમારે તેનો પૂરો બદલો લેવો જ પડશે.

ગાંધીનગરના લવાડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં બોલતા વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે આતંકવાદ લાંબા સમયથી ભારત માટે એક ખાસ પડકાર રહ્યો છે. અમારું મિશન તેને કાયદેસર બનાવવાની તથા તેનો લગાતાર સામનો કરવાનું છે. પાકિસ્તાનના સર્જન પછીથી ભારત-પાકિસ્તાનના સંબંધો ક્યારે સામાન્ય રહ્યાં જ નથી. ભારતે વારંવાર પાકિસ્તાન દ્વારા સરહદ પારના આતંકવાદને સમર્થન આપવા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે આતંકવાદ અને વાટાઘાટો એકસાથે ન ચાલી શકે.

 

LEAVE A REPLY