ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા ભારતની એક અન્ય ક્રિકેટ ટીમ ગયા સપ્તાહે આયર્લેન્ડના ટુંકા પ્રવાસે હતી, જેમાં તેણે ફક્ત બે ટી-20 મેચની સીરીઝમાં બન્નેમાં આયર્લેન્ડને હરાવી સીરીઝ 2-0થી જીતી લીધી હતી. સોમવારે (27 જુન) રમાયેલી પ્રથમ ટી-20માં ભારતનો 7 વિકેટે વિજય થયો હતો, એ મેચ તો લગભગ સરળ અને ખાસ સ્પર્ધા વિનાની રહી હતી, તો બીજી મેચ બુધવારે (29 જુન) રમાઈ હતી, જેમાં આયર્લેન્ડે જબરજસ્ત ટક્કર લીધી હતી, પણ છેલ્લે તે ચાર રને હારી ગયું હતું. દીપક હુડાએ સદી કરી હતી, સંજુ સેમસને 77 કર્યા કર્યા હતા.
બુધવારની બીજી મેચમાં તો ભારત તરફથી દીપક હુડા અને સંજુ સેમસને બીજી વિકેટની ભાગીદારીમાં 176 રન કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. ટી-20માં બીજી વિકેટની ભાગીદારીનો અગાઉનો ઈંગ્લેન્ડના જોસ બટલર અને ડેવિડ મલાનના નામે હતો. તે ઉપરાંત, ટી-20માં ભારત માટે તો કોઈપણ વિકેટનો આ નવો રેકોર્ડ છે. આ મજબૂત ભાગીદારીની મદદથી ભારતે પાંચ વિકેટે 225 રન કર્યા હતા. જવાબમાં આયર્લેન્ડની ટીમ વિજયની ખૂબજ નજીક પહોંચી ગઈ હતી, પણ છેલ્લી ઓવરમાં ઉમરાન મલિકે રંગ રાખતાં આયર્લેન્ડને વિજય માટે જરૂરી 17 રન કરવા દીધા નહોતા અને ભારત માટે સીરીઝનો વિજય નિશ્ચિત કર્યો હતો. દીપક હુડાને મેન ઓફ ધી મેચ અને સીરીઝ જાહેર કરાયો હતો. ટી-20માં સદી કરનારો તે ભારતનો ફકત ચોથો બેટ્સમેન છે, અગાઉ સુરેશ રૈના, રોહિત શર્મા અને કે. એલ. રાહુલને આ સફળતા મળી ચૂકી છે.
પ્રથમ ટી-20માં ભારતનો સાત વિકેટે વિજયઃ સોમવારે ડબલિનમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતે આયર્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. આયર્લેન્ડે 12 ઓવરમાં ચાર વિકેટે 108 રન કર્યા હતા. હેરી ટેકટરે 33 બોલમાં 64 રનનું મુખ્ય પ્રદાન કર્યું હતું.
વરસાદના કારણે ટુકાવીને 12-12 ઓવરની થયેલી મેચમાં મેચમાં દીપક હુડા અને ઈશાન કિશનની નવી ભારતીય ઓપનિંગ જોડીએ 2.3 ઓવરોમાં જ 30 રન કરી સારી શરૂઆત કરી હતી, પરંતુ પછી ઈશાન અને સૂર્યકુમારની વિકેટ પડી હતી. એ પછી દીપક હુડા અને સુકાની હાર્દિક પંડ્યાએ ઝડપી બેટિંગ કરી હતી.
ભારતે વિજયનો 109 રનનો ટાર્ગેટ 10મી ઓવરમાં જ હાંસલ કર્યો હતો. સ્પિનર યુઝવેન્દ્ર ચહલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.