ઇરાનના વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ચાબહાર પોર્ટના સંચાલન માટે તહેરાન અને નવી દિલ્હી વચ્ચેના કરાર પછી અમેરિકાએ સોમવારે ચેતવણી આપી હતી કે ઈરાન સાથે વ્યાપારી વ્યવહાર ધરાવતા કોઈપણ દેશ સામે પ્રતિબંધોનું જોખમ રહે છે. ભારતે સોમવારે ચાબહારના વ્યૂહાત્મક ઈરાની પોર્ટના સંચાલન માટે 10-વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. તેનાથી ભારતને મધ્ય એશિયા સાથે વેપાર વધારવામાં મદદ મળવાની ધારણા છે.
અમેરિકાના વિદેશ વિભાગના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે સોમવારે તેમની દૈનિક ન્યૂઝ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમે આ અહેવાલોથી વાકેફ છીએ કે ઈરાન અને ભારતે ચાબહાર પોર્ટને લગતા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત સરકારે ચાબહાર પોર્ટ તેમજ ઈરાન સાથેના તેના દ્વિપક્ષીય સંબંધો અંગે તેની વિદેશી નીતિના ઉદ્દેશોની સ્પષ્ટતા કરવી જોઇએ. તમે અમને ઘણા કિસ્સાઓમાં એવું કહેતા સાંભળ્યા હશે કે કોઈપણ એન્ટિટી, કોઈપણ વ્યક્તિ ઈરાન સાથે બિઝનેસ ડીલ્સની વિચારણા કરે છે ત્યારે તેઓએ સંભવિત જોખમ અને પ્રતિબંધો વિશે જાગૃત રહેવાની જરૂર છે.
પાકિસ્તાન અને ચીન સાથે સારા સંબંધો નહિ હોવાને કારણે ભારતે વ્યૂહરચના બદલીને ઇરાન સાથે વ્યૂહાત્મક રીતે મહત્વના ચાબહાર બંદર ખાતે એક ટર્મિનલની કામગીરી હાથ ધરવા માટે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યો છે. આ પગલાથી પ્રાદેશિક કનેક્ટિવિટી તેમજ વેપાર સંધિઓને પ્રોત્સાહન મળશે. ભારત કોઇ વિદેશી બંદરના સંચાલનની કામગીરી હાથમાં લેશે તેવું પહેલી વખત છે. આને કારણે ભારત, ઇરાન અને અફઘાનિસ્તાન વચ્ચે વેપાર પર અનેકગણી સીધી અસર થશે. આની સાથે જ પાકિસ્તાનને બાયપાસ કરીને સીધીરીતે મધ્ય એશિયામાં ભારતના વેપારની સંભાવના વધી જશે. આ કરારનો હેતુ ખાસ કરીને ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રાદેશિક જોડાણ વધારવા અને વેપારને સરળ બનાવવાનો છે.