ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલ 2022નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે, તે મુજબ 26મી માર્ચથી તેનો આરંભ થશે અને બે મહિના કરતાં વધુ ચાલ્યા પછી 29 મેએ ફાઈનલ રમાશે. શરૂઆતના તબક્કામાં સાવચેતી છતાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશની મંજુરી અપાઈ છે, સ્ટેડિયમ 40 ટકા ક્ષમતા સુધી ભરી શકાશે. સમગ્ર લીગની 74માંથી 70 મેચ મહારાષ્ટ્રના મુંબઈ અને પૂણે શહેરમાં જ રમાશે.
ગયા સપ્તાહે આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પછી ચેરમેન બ્રિજેશ પટેલે કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, લીગમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર કિંગ્સ – બે ટીમનો ઉમેરો થતાં 10 ટીમો વચ્ચે કુલ 74 મેચો રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ, નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ પુણેના ગહુંજે સ્ટેડિયમમાં 70 મેચ રમાશે.
હજુ સુધી પ્લે ઓફ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી પણ એવું માનવામાં આવી રહ્યું છે. પણ ફાઈનલ અમદાવાદમાં રમાય તેવી શક્યતા છે. આઈપીએલનું તારીખ અને મેચ સાથેનું સમગ્ર શિડ્યુલ હવે પછી જાહેર કરાશે. બ્રિજેશ પટેલે વધુમાં એવું પણ કહ્યું હતું કે, આ વખતે આઈપીએલના એક ટાઈટલ સ્પોન્સર અને પાંચ એસોસિયેટ સ્પોન્સર, એમ કુલ છ – તમામ સ્પોન્સર મળી ગયા છે. દરેક સિઝનમાં એકાદ સ્પોન્સર તો નહોતો જ મળતો.
આ વર્ષથી નવા ફોર્મેટ મુજબ લીગ રમાશે. ૧૦ ટીમોને પાંચ-પાંચના બે ગ્રુપમાં વહેંચી દેવાઈ છે. પ્રત્યેક ટીમને લીગ રાઉન્ડમાં ૧૪ મેચ રમવા મળશે. ટીમ્સને ભૂતકાળના પર્ફોમન્સને આધારે બે ગ્રુપમાં વહેંચી દેવાઈ છે, જેમાં ગ્રુપની સાથે સાથે તેમના ક્રમ પણ અત્યંત મહત્વના છે.
નવા ફોર્મેટ મુજબ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ એ ગ્રુપમાં પ્રથમ ક્રમે છે, તો રનર્સ અપ ચેન્નાઈ સુપર કિંગ્સ બી ગ્રુપમાં ટોચના સ્થાને છે. ગ્રુપ એમાં મુંબઈ પછી બીજા ક્રમે કોલકાતા, ત્રીજા સ્થાને રાજસ્થાન રોયલ્સ, ચોથા સ્થાને દિલ્હી અને પાંચમા સ્થાને લખનઉ છે. ચેન્નાઈ પછી ગ્રુપ બીમાં બીજા સ્થાને હૈદરાબાદ, ત્રીજા સ્થાને બેંગ્લોર, ચોથા સ્થાને પંજાબ અને પાંચમા સ્થાને ગુજરાતની ટીમ છે.
દરેક ટીમ લીગ રાઉન્ડમાં ૧૪ મેચ રમશે, તે મુજબ દરેક ટીમને તેના ગ્રુપની બાકીની ટીમ સામે બે-બે મેચ તથા સામેના ગ્રુપની ટીમો સામે ૧-૧ મેચ રમશે. આ રીતે, દરેક ટીમને ૧૩ મેચ રમવાની થશે. 14મી મેચ બીજા ગ્રુપમાં તેની સમકક્ષ – બરોબરીનો ક્રમ ધરાવતી ટીમ સામે રમશે.
આઇપીએલમાં બે ગ્રુપ છતાં લીગનું પોઈન્ટ ટેબલ તો એક જ રહેવાની શક્યતા જાણકારોએ દર્શાવી છે. આ રીતે, રેન્કિંગમાં ટોચના ચાર સ્થાને રહેતી ટીમોને પ્લેઓફમાં પ્રવેશ મેળવશે, જેમાં માત્ર પોઈન્ટ અને રનરેટને આધારે નિર્ણય લેવાશે.
IPL 2022ના બે ગ્રુપ
ગ્રુપ – એ
મુંબઈ ઈન્ડિયન્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ.
ગ્રુપ – બી
ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ.