ભારત સરકારે કોરોના વાઈરસના રોગચાળા સામેના જંગના એક ભાગરૂપે ઈન્ટરનેશનલ ફલાઈટ્સ ઉપરનો પ્રતિબંધ 14 એપ્રિલ સુધી લંબાવ્યો છે. સંપૂર્ણ ભારતમાં પણ 14 એપ્રિલ સુધીનું લોકડાઉન અમલમાં છે.
સરકારે ગુરૂવારે (26 માર્ચ) કરેલી જાહેરાત મુજબ ગયા સપ્તાહે ઈન્ટરનેશનલ ફલાઈટ્સ ઉપર એક સપ્તાહનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, તે હવે વધુ બે સપ્તાહ લંબાવાયો છે. આ પ્રતિબંધ જો કે, કાર્ગો ફલાઈટ્સને કે પછી ડીજીસીએ (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) દ્વારા અપાયેલી મંજુરી મુજબની સ્પેશિયલ ફલાઈટ્સને લાગું પડશે નહીં.
ભારતમાં ડોમેસ્ટિક ફલાઈટ્સ પણ 31 માર્ચ સુધી બંધ કરાઈ છે. તે ઉપરાંત, રેલવે સેવાઓ, ઈન્ટર સ્ટેટ બસ સેવાઓ તેમજ તમામ પ્રકારની જાહેર ટ્રાન્સપોર્ટ સેવાઓ પણ કોરોના સામેના લોકડાઉન હેઠળ બંધ કરવામાં આવી છે.
