ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સીરીઝમાં રવિવારે વધુ એક વખત વરસાદ વિલન બન્યો હતો અને બીજી વન-ડેમાં માંડ 12 ઓવર જેટલી મેચ રમી શકાયાના પગલે મેચ ધોવાઈ ગઈ હતી. પ્રથમ મેચમાં પરાજયના પગલે ભારત આ સીરીઝમાં 0-1થી પાછળ છે અને હવે બુધવારે છેલ્લી મેચ બાકી છે.
આ મેચમાં પણ ન્યૂઝીલેન્ડના સુકાની કેન વિલિયમસને ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો. મેચ શરૂ થયા પછી પાંચમી ઓવરમાં વરસાદનું આગમન થયું હતું. એના પછી લાંબા બ્રેક બાદ મેચ ફરી શરૂ કરાઈ ત્યારે જ તે ટુંકાવીને 29-29 ઓવરની કરાઈ હતી, પરંતુ 12.5 ઓવર પછી ફરી વરસાદ પડ્યો અને બાકીની મેચ ધોવાઈ ગઈ હતી.
પહેલી વન-ડેમાં ભારતનો 7 વિકેટે પરાજયઃ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 સીરીઝ જીતી લીધા પછી વન-ડે સીરીઝમાં ટીમ મુશ્કેલીમાં છે. પ્રથમ વન-ડેમાં બોલિંગની નબળાઈના કારણે ન્યૂઝીલેન્ડેનો બે ઓવરથી વધુ બાકી હતી ત્યારે સાત વિકેટે વિજય થયો હતો. ભારતે 7 વિકેટે 306 રન જેટલો મજબૂત સ્કોર કર્યો હોવા છતાં ટોમ લાથમની આક્રમક ફટકાબાજી – સૂર્યકુમાર યાદવને પણ ભૂલાવી દે તેવી ધમાકેદાર બેટિંગ, અણનમ સદી અને બીજા છેડે સુકાની કેન વિલિયમસને ગઢ જાળવી રાખતાં ભારતીય બોલર્સ એ જોડી તોડી શક્યા નહોતા અને ન્યૂઝીલેન્ડે શાનદાર વિજય હાંસલ કર્યો હતો.
ભારતને પહેલા બેટિંગમાં મોકલવાનો ન્યૂઝીલેન્ડનો નિર્ણય શરૂઆતમાં તો ખોટો જણાતો હતો. સુકાની શિખર ધવન અને શુભમન ગીલે ઓપનિંગમાં જ 124 રનની ભાગીદારી 24 ઓવરમાં કરી મજબૂત પાયો નાખ્યો હતો. ગીલે 50 અને ધવને 72 રન કર્યા હતા, તો ત્રીજા ક્રમે આવેલા શ્રેયસ ઐયરે 80 રન કર્યા હતા. જો કે, સૂર્યકુમાર પહેલી મેચમાં નિષ્ફળ રહ્યો હતો અને તેણે ફક્ત ચાર કર્યા હતા, તો પંતે પણ 15 જ રન કરતાં બન્નેએ નિરાશ કર્યા હતા.
એ પછી સંજુ સેમસને 36 અને વોશિંગ્ટન સુંદરે ફક્ત 16 બોલમાં અણનમ 37 કરી રંગ રાખ્યો હતો. આ રીતે, ભારતે સાત વિકેટે 306 કર્યા હતા.
ન્યૂઝીલેન્ડની ઈનિંગનો આરંભ તો સારા રન રેટથી થયો હતો પણ નિયમિત અંતરે પહેલી ત્રણ વિકેટ પડતાં 20મી ઓવરમાં તેનો સ્કોર ફક્ત 88 રને પહોંચ્યો હતો. એ તબક્કે વિલિયમસનની સાથે જોડાયેલા ટોમ લાથમે પણ ધીમી છતાં મક્કમ શરૂઆત કર્યા પછી છેક 30મી ઓવરમાં તો સ્કોર 150 સુધી અને 37 ઓવરમાં 200 રન સુધી સ્કોર પહોંચ્યો હતો. એ પછી ખાસ કરીને લાથમે ધમાકેદાર બેટિંગ કરતાં તમામ ભારતીય બોલર્સને બરાબર ઝુડી નાખ્યા હતા. વોશિંગ્ટન સુંદર 10 ઓવરમાં ફક્ત 42 રન આપી સૌથી વધુ કરકસરયુક્ત રહ્યો હતો. બાકીના તમામ બોલર્સે 6.50થી વધુ સરેરાશથી રન આપ્યા હતા. પહેલી મેચ રમતા ઉમરાન મલિકે બે અને શાર્દુલ ઠાકુરે એક વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડ સામે ભારતનો આ સતત પાંચમો વન-ડે પરાજય હતો. છેલ્લે 2019માં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.