ભારતે ગુરુવારે ટુકડા ચોખા (બ્રોકન રાઉસ)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે અને અમુક જાતની ચોખાની નિકાસ પર 20 ટકા ડ્યૂટી લાદી છે. ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે અને હાલમાં સ્થાનિક ભાવને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચોખાના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 40 ટકા છે.
ભારત 150થી વધુ દેશોમાં ચોખાની નિકાસ કરે છે અને નિકાસમાં કોઇપણ ઘટાડાથી ફુડ પ્રાઇસમાં વધારો થશે. વિશ્વમાં હાલમાં યુક્રેન પર રશિયાના આક્રમક, હીટવેવ અને દુકાળને કારણે ખાદ્ય ચીજવસ્તુઓનો સપ્લાય મર્યાદિત છે અને ભાવો ઊંચા સ્તરે છે.
આ નવી નિકાસ જકાતથી ખરીદદાર દેશો માટે મુશ્કેલી ઊભી થશે. તેનાથી વિશ્વના દેશો થાઇલેન્ડ અને વિયેતનામથી નિકાસમાં વધારો કરે તેવી શક્યતા છે. સરકારે એક્સપોર્ટ ડ્યૂટીમાં પરબોઇલ્ડ અને બાસમતી ચોખાને બાકાત રાખ્યા છે. નવી ડ્યૂટી 9 સપ્ટેમ્બરથી અમલી બની છે.
ભારતની સરકારે આ ખાદ્યાન્ના સંકટને ટાળવા માટે હવે ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે. ટ્રાન્સફર પોલિસીના સંબંધમાં ફોરેન ટ્રેડ પોલિસી 2015-2020 હેઠળની જોગવાઈઓ પર આ આદેશ લાગુ પડશે નહીં. ઉપરાંત 9થી 15 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ટુકડા ચોખાના અમુક ચોક્કસ કન્સાઇનમેન્ટને નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.
વર્તમાન ખરીફ સિઝનમાં ડાંગરના પાક હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સ્થિતિમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકારે નિકાસને કાબૂમાં લેવાનો નિર્ણય કર્યો છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ચોખા અને બ્રાઉન રાઈસ પર 20 ટકા નિકાસ ડ્યૂટી લાદવામાં આવી છે. દેશના કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ડાંગરના વાવેતરમાં ઘટાડો થયો છે. ચીન પછી ભારત ચોખાનું સૌથી મોટું ઉત્પાદક છે.
2021માં ખરીફ સિઝનમાં ભારતમાં આશરે 111 મેટ્રિક ટન ચોખાનું ઉત્પાદન કર્યું હતું. સેન્ટ્રલ પૂલમાં 16 ઓગસ્ટના રોજ ચોખાનો સ્ટોક લગભગ 26.35 મેટ્રિક ટન હતો. ભારતે 2021-22ના નાણાકીય વર્ષમાં 2.12 કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. તેમાં 39.4 લાખ ટન બાસમતી ચોખા હતા. સત્તાવાર માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન નોન-બાસમતી ચોખાની નિકાસ 6.11 અબજ ડોલરની રહી હતી. ભારતે 2021-22 દરમિયાન વિશ્વના 150થી વધુ દેશોમાં બિન-બાસમતી ચોખાની નિકાસ કરી હતી.