ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે ઘઉંના લોટની નિકાસ પર નિયંત્રણો મૂકવાનો ગુરુવારે નિર્ણય કર્યો હતો. સરકારે મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ઘઉંના લોટની નિકાસ પર કોઇ નિયંત્રણો મૂક્યા ન હતા, તેથી ભારતમાંથી ઘઉંના લોટની નિકાસમાં 200 ટકાનો જંગી વધારો થયો હતો અને તેનાથી ભાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. તેથી સરકારે બેકાબુ ભાવને અંકુશમાં લેવા માટે હવે લોટની નિકાસ પર પણ નિયંત્રણો લાદ્યા છે.
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે કેબિનેટના આ નિર્ણયથી ઘઉંના લોટની નિકાસ પર નિયંત્રણો મૂકવાની છૂટ મળશે. તેનાથી ઘઉંના લોટના વધતા જતાં ભાવને અંકુશમાં લઈ શકાશે. સમાજના સૌથી નબળા વર્ગના લોકોની અન્ન સુરક્ષા સુનિશ્ચિત કરવા આ નિર્ણય કરાયો છે.
વિશ્વમા ઘઉંના મુખ્ય નિકાસકારોમાં રશિયા અને યુક્રેનનો સમાવેશ થાય છે. આ બંને દેશો વિશ્વમાં ચોથા ભાગના ઘઉંની નિકાસ કરે છે. જોકે બંને દેશો વચ્ચે યુદ્ધને કારણે વિશ્વમાં ઘઉંની સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે અને ભારતના ઘઉંની વૈશ્વિક માગમાં વધારો થયો છે. તેનાથી ભારતમાં ઘઉંના ભાવમાં મોટો વધારો થયો છે. દેશની અન્ન સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે તેનાથી ઘઉંના લોટની વિદેશી માગમાં અસાધારણ ઉછાળો આવ્યો હતો.ભારત દ્વારા ઘઉંના લોટની નિકાસ એપ્રિલ-જુલાઈ 2022 દરમિયાન અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં આશરે 200 ટકાનો અસાધારણ ઉછાળો આવ્યો છે.