પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બિન બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી વિશ્વમાં ડુંગળીના સૌથી મોટા નિકાસકાર ભારતે શનિવાર, 19 ઓગસ્ટે ડુંગળીની નિકાસ પર 31 ડિસેમ્બર સુધી 40 ટકાની જંગી જકાત લાદી હતી. સરકારના આ નિયંત્રણોથી દેશની નિકાસમાં આશરે 60 ટકાનો જંગી ઘટાડો થવાની ધારણા છે.

ઘરેલુ બજારમાં ઉપલબ્ધતામાં વધારો કરવા માટે નાણા મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. ભારતના આ નિર્ણયથી એશિયાના દેશો માટે ડુંગળી વધુ મોંઘી બનશે, કારણ કે બીજા દેશો મર્યાદિત સ્ટોક ઓફર કરે છે.

આ વર્ષના અંત ભાગમાં કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માગે છે. મુંબઈ સ્થિત નિકાસકાર અજિત શાહે જણાવ્યું હતું કે, “નિકાસ ડ્યૂટીથી ભારતીય ડુંગળી પાકિસ્તાન, ચીન અને ઈજિપ્તની સરખામણીએ વધુ મોંઘી બનશે. આનાથી સ્વાભાવિક રીતે નિકાસ ઓછી થશે અને સ્થાનિક ભાવ ઘટાડવામાં મદદ મળશે”

ભારતના મુખ્ય બજારોમાં જથ્થાબંધ ડુંગળીના સરેરાશ ભાવ જુલાઈથી ઓગસ્ટ સુધીમાં લગભગ 20% વધીને પ્રતિ 100 કિલો રૂ.2,400 ($28.87) થયા છે. આ વર્ષે ચોમાસાની અનિયમિતતાને કારણે ડુંગળીની ઉપજ નીચી રહેવાની ધારણા છે. ઉનાળાના મહિનાઓમાં લણવામાં આવેલી ડુંગળી ઝડપથી સડી રહી છે, અને નવા પુરવઠામાં વિલંબ થઈ રહ્યો છે. આ સ્થિતિથી સરકાર અગમચેતીના પગલાં લીધા છે.

2023ના પ્રથમ છ મહિનામાં ભારતની ડુંગળીની નિકાસ એક વર્ષ પહેલાની સરખામણીમાં 63% વધીને 1.46 મિલિયન મેટ્રિક ટન થઈ છે. બાંગ્લાદેશ, નેપાળ, મલેશિયા, સંયુક્ત આરબ અમીરાત અને શ્રીલંકા જેવા દેશો ભારતીય શિપમેન્ટ પર આધાર રાખે છે.

એક નિકાસકારે જણાવ્યું હતું કે ભારતે જંગી ડ્યુટી લાદી હોવાથી ચીન અને પાકિસ્તાન ભાવમાં વધારો કરશે. કારણ કે તેમની પાસે નિકાસ માટે મર્યાદિત સરપ્લસ છે. ભારતનો વાર્ષિક છૂટક ફુગાવો  જુલાઈમાં 15 મહિનામાં તેની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો કારણ કે શાકભાજી અને અનાજના ભાવ આસમાને પહોંચી ગયા હતા, જેના કારણે સરકાર પર કિંમતો ઘટાડવા પગલાં લેવાનું દબાણ હતું.

ભારતે ગયા મહિને બિન-બાસમતી સફેદ ચોખાના વેચાણ પર પ્રતિબંધ લાદીને ખરીદદારોને આશ્ચર્યચકિત કર્યા હતા.

 

 

LEAVE A REPLY