લંડનમાં ભારતીય હાઈ કમિશને પંજાબના પરંપરાગત લણણી ઉત્સવના સંદેશને પ્રતિબિંબિત કરતા ભાંગડા સંગીત સાથે વિવિધ ડાયસ્પોરા સંગઠનોના સાથવારે 9 એપ્રિલના રોજ વાઈબ્રન્ટ બૈસાખી ઉત્સવનું આયોજન કર્યું હતું.

ઉત્સવને અનુરૂપ યુકેના ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, ડેપ્યુટી હાઈ કમિશનર સુજીત ઘોષ તથા વરિષ્ઠ રાજદ્વારીઓએ પાઘડીમાં સજ્જ થઇને ઈન્ડિયા હાઉસ ખાતે બ્રિટિશ પંજાબી સંગીતકાર ચન્ની સિંહ સહિત સંસદસભ્યો, સમુદાયના નેતાઓ અને જાણીતા કલાકારોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. હિન્દી વાર્તા લેખક તેજિન્દર શર્મા અને પંજાબી કવિ અને વિદ્વાન તલવિંદર સિંહ ધિલ્લોને તહેવારના સંદર્ભ અને તેના શાંતિ અને સંવાદિતાના સાર્વત્રિક સંદેશને રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.

વેસ્ટ લંડનના ઈલિંગ સાઉથોલના મુખ્યત્વે પંજાબી મતવિસ્તારના ભારતીય વારસાના બ્રિટનના પીઢ સંસદ સભ્ય વીરેન્દ્ર શર્માએ આ પ્રસંગને યુકેમાં શીખ સમુદાયના “પુષ્કળ યોગદાન”ના પ્રતીક તરીકે વર્ણવતા કહ્યું હતું કે  “સેવાની ભાવના દરેક જગ્યાએ જોઈ શકાય છે, પછી ભલે તે આપણા ગુરુદ્વારા, સ્થાનિક વેપારી સમુદાય અથવા વ્યક્તિઓના યોગદાનમાં હોય.”

આ પ્રસંગે લેબર સાંસદ અને પદ્મશ્રી બેરી ગાર્ડિનર, બેરોનેસ સેન્ડી વર્મા અને લોર્ડ રેમી રેન્જરે પણ સમારોહમાં વક્તવ્ય આપ્યા હતા.

વક્તાઓએ બ્રિટિશ રાજ દરમિયાન બૈસાખીના વધુ ગંભીર જોડાણને યાદ કરતાં કહ્યું હતું કે એપ્રિલ 1919માં બૈસાખીના દિવસે જ જનરલ ડાયરે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક નિર્દોષ સભામાં ગોળી મારીને હજારોની હત્યા કરી.

હાઈ કમિશનર દોરાઈસ્વામીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે   “બૈસાખી મારા માટે કેટલાક મહત્વપૂર્ણ પાઠ લાવે છે, હું તેમાંથી પહેલો મુદ્દો શીખ્યો છું તે છે શીખીની સમજ – સત્યની શોધમાં પ્રવાસી બનવાનો વિચાર. તેનો અર્થ એ છે કે આપણામાંથી કોઈને પણ સત્યનું જ્ઞાન નથી, પરંતુ આપણે તેને શોધી રહ્યા છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે મહાન ગુરુઓ આપણને જે શીખવતા હતા તેનો આધાર તર્કસંગતતા, વ્યવહારિકતા હતી.

શનિવારના રોજ આવતા બૈસાખી પર્વ પ્રસંગે સાઉથોલમાં વાર્ષિક નગર કીર્તન દરમિયાન હજારો લોકો દ્વારા અને આ સપ્તાહ દરમિયાન સમગ્ર યુકેમાં ડાયસ્પોરા જૂથો દ્વારા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY