પેરિસ ઓલિમ્પિક્સ 2024ની હોકી ટુર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલના પ્રમુખ થોમસ બેચે ગયા સપ્તાહે કરેલી જાહેરાત મુજબ ઓલિમ્પિક્સનો આરંભ 26 જુલાઈથી થશે અને હોકી ટુર્નામેન્ટ 27 જુલાઈથી 8 ઑગસ્ટ સુધી રમાશે.
હોકીમાં પુરુષની અને મહિલાઓની 12-12 ટીમ ભાગ લેશે. ભારતની મહિલા હોકી ટીમ ક્વોલિફાઈ થઈ શકી નથી. પુરૂષ હોકી ટીમના અભિયાનનો આરંભ 27 જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામેની મેચથી થશે.
ભારતીય ટીમ પુલ બીમાં બેલ્જિયમ, આર્જેન્ટિના, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ સાથે છે. પૂલ એમાં નેધરલેન્ડ્સ, સ્પેન, જર્મની, ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
ટીમ ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમ એક વખત એકબીજા સામે ટકરાશે. દરેક પૂલમાંથી ટોપ-4 ટીમ ક્વાર્ટર ફાઇનલમાં જશે. એ પછી હારતી ટીમ બહાર થઈ જશે. ગોલ્ડ મેડલની મેચ 8 ઓગસ્ટના રોજ રમાશે.
ભારતીય ટીમે ગત ઓલિમ્પિક્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 41 વર્ષ પછી ભારતે ચાર વર્ષ પહેલા હોકીમાં પહેલો મેડલ પ્રાપ્ત કર્યો હતો. એ અગાઉ જે કે, ભારતીય ટીમ 8 વખત ઓલિમ્પિક હોકીમાં ચેમ્પિયન રહી ચૂકી હતી.