ટોક્યો ઓલિમ્પિક્સમાં રવિવારનો દિવસ ભારત માટે સુપર સન્ડે રહ્યો હતો. દેશની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બીજી તરફ ભારતની મેન્સ હોકી ટીમે પણ સેમિફાઈનલમાં પ્રવેશ કરીને આ ખુશી બમણી કરી દીધી હતી. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઈનલમાં બ્રિટનને 3-1થી પરાજય આપ્યો હતો.
ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય ટીમે દમદાર પ્રદર્શન કર્યું હતું અને શાનદાર વિજય નોંધાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે છેલ્લે 1980 મોસ્કો ઓલિમ્પિક્સમાં સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે ભારતે ફાઈનલમાં પહોંચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જે ઓલિમ્પિક્સમાં ભારતનો અંતિમ મેડલ હતો.
ટોક્યોમાં સેમિફાઈનલમાં મનપ્રીત સિંહની આગેવાનીવાળી ભારતીય ટીમનો મુકાબલો બેલ્જિયમ સામે થશે. બેલ્જિયમે અન્ય એક ક્વાર્ટર ફાઈનલમાં સ્પેનને હરાવ્યું હતું. અન્ય એક સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે જંગ જામશે.