માલદીવ સાથે વણસેલા સંબંધો વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર શનિવારે આ ટાપુ દેશના પ્રેસિડેન્ટ મોહમ્મદ મુઇઝ્ઝુ અને ટોચના નેતાઓને મળ્યાં હતાં અને જણાવ્યું હતું કે નવી દિલ્હી માલે સાથેના તેના બહુપક્ષીય સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિક આપે છે અને વિકાસલક્ષી સહયોગને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
બીજી તરફ બેઠક પછી મુઇઝ્ઝુએ પણ માલદીવ અને ભારત વચ્ચેના ઐતિહાસિક અને ગાઢ સંબંધોને મજબૂત કરવા માટે તેમના વહીવટીતંત્રની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભારત હંમેશા ગાઢ સાથી અને અમૂલ્ય ભાગીદાર દેશો પૈકીનું એક રહ્યું છે, જ્યારે પણ માલદીવને તેની જરૂર પડી હોય ત્યારે ભારતે સુવિધા અને સહાય પૂરી પાડી છે.
ગયા વર્ષના નવેમ્બરમાં ચીન તરફી ઝુકાવ ધરાવતા મુઇઝ્ઝુ સત્તા પર આવ્યા પછી જયશંકરની મુલાકાત ભારતના ઉચ્ચસ્તરીય નેતાની પ્રથમ માલદીવ મુલાકાત છે.
ભારતની મદદથી 28 ટાપુઓમાં વોટર એન્ડ સેનિટેશન પ્રોજેક્ટ્સના વર્ચ્યુઅલ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં મોઇઝ્ઝુનુ હાજરીમાં જયશંકરે જણાવ્યું હતું કે આ મુલાકાત આપણા દેશોએ સાથે મળીને શું હાંસલ કર્યું છે તેની સમીક્ષા કરવાની તેમજ આવનારા વર્ષો માટે એક મહત્વાકાંક્ષી બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની તક છે. ભારતની વિકાસ ભાગીદારી લોકો અને માલદીવ સરકારની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ દ્વારા સંચાલિત છે અને તે ગ્રાન્ટ, લોન, અંદાજપત્રીય સહાય, ક્ષમતા નિર્માણ અને તાલીમ સહાયના સ્વરૂપમાં છે. જયશંકરે માલદીવના વિદેશ પ્રધાન મૂસા ઝમીર સાથે પણ મુલાકાત કરી હતી.
વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે આપણે હવે એવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ, જ્યાં આમાંના ઘણા પ્રોજેક્ટ જમીન પર સાકાર થઈ રહ્યા છે અને સામાન્ય લોકોને લાભો પહોંચાડી રહ્યા છે. શનિવારે ઉદ્ઘાટન કરાયેલ પ્રોજેક્ટેથી 32 ટાપુઓ પર પીવાનું સલામત પાણી મળશે અને 17 ટાપુઓમાં ગટર વ્યવસ્થા ચાલુ થશે. આનાથી માલદીવના આશરે 28,000 લોકોને લાભ થશે.