ભારતનું અર્થતંત્ર 2022ના વર્ષમાં વિશ્વમાં સૌથી ઊચો વૃદ્ધિદર નોંધાવવા સજ્જ છે. વૈશ્વિક બ્રોકરેજ હાઉસ ગોલ્ડમેન સાક્સે ભારતની કોરોના પછીની રીકવરી અને ટુંકાગાળાના આર્થિક વિકાસ વિષે મજબૂત આશાવાદ વ્યકત કર્યો છે. ગોલ્ડમેને મંગળવાર, 23 નવેમ્બરે 2022 માટે ભારતનો જીડીપી વૃદ્ધિદર 9.1 ટકા રહેવાનો અંદાજ મુક્યો છે. 2020માં ભારતના અર્થતંત્રમાં 7 ટકાના જંગી ઘટાડા પછી ગોલ્ડમેન સાક્સે 2021માં અર્થતંત્ર 8 ટકા અને 2022માં 9.1 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન કર્યું છે.
જોકે અગાઉ 31 માર્ચ, 2022 સુધી ભારતનો આર્થિક વિકાસ દર 11.1 ટકા રહેવાનો અંદાજ હતો. ગોલ્ડમેન સાક્સનું માનવું છે કે વપરાશ અને રોકાણ 2022માં વૃદ્ધિને આગળ વધારતા મુખ્ય પરિબળો હશે. ગોલ્ડમૅન સાક્સે એક રીપોર્ટમાં જણાવ્યું છે કે કોરોના વાયરસ પછી દેશની અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો થયો છે અને રસીકરણમાં ઝડપ આવી છે. આગામી સમયમાં સરકાર મૂડી ખર્ચમાં વધારો કરશે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત ખાનગી કોર્પોરેટ ક્ષેત્રના રોકાણમાં પણ ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે અને હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટમાં રોકાણ વધ્યું છે. બ્રોકરેજ હાઉસનું અનુમાન છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફૂગાવો (CPI) 2021માં 5.2 ટકાથી વધીને 2022માં 5.8 ટકા થશે. ગોલ્ડમેન સાક્સના શાંતનુ સેનગુપ્તાએ જણાવ્યું હતું કે ક્રુડના ઉંચા ભાવ અને સ્થાનિક માંગમાં રીકવરી જોતાં રાજકોષીય ખાધ જીડીપીના 0.9 ટકાથી વધીને 1.5 ટકા થવાનો અંદાજ છે.