રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના વડા શક્તિકાંત દાસે શુક્રવારે જણાવ્યું હતું કે જંગી મૂડીપ્રવાહને પગલે ભારતની વિદેશી હૂંડિયામણની અનામતો 600 બિલિયન ડોલરની વિક્રમજનક સપાટીને પાર થઈ ગઈ હોવાનો અંદાજ છે.
રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે 21 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ગોલ્ડ તથા કરન્સી એસેટ્સમાં તીવ્ર વધારો થવાને લીધે દેશનું વિદેશી હૂંડિયામણ 2.865 બિલિયન ડોલર વધીને 592.894 બિલિયન ડોલર થયું હતું. રસપ્રદ વાત એ છે કે કોરોનાની શરૂઆત થઈ ત્યારે એટલે કે ડિસેમ્બર,2019માં ભારતનું વિદેશી હૂંડિયામણ 451 બિલિયન ડોલર હતું, જે 600 બિલિયન ડોલરની સપાટીએ પહોંચ્યું છે. આમ કોરોના કાળમાં તેમાં 150 બિલિયન ડોલરનો ઉમેરો થયો છે.
નાણાં નીતિની સમિક્ષાની જાહેરાત કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે વર્તમાન અંદાજના આધારે અમારું માનવું છે કે વિદેશી હૂંડિયામણ 600 બિલિયન ડોલરને પાર થઈ ગયું છે. તરલતાને વેગ આપવા માટે મધ્યસ્થ બેન્કે કેટલાક મહત્વના પગલાંની જાહેરાત કરી છે,જેમાં કોવિડ-19 મહામારીની અસર ધરાવતા વિવિધ ક્ષેત્રો માટે વિશેખ તરલતા સુવિધાનો પણ સમાવેશ થાય છે.