ભારત સરકારે વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટનો ફૂડ રીટેઈલ બિઝનેસમાં પ્રવેશની અરજી નકારી કાઢી છે. વોલમાર્ટ આ ભારતીય ઇકોમર્સ કંપનીમાં મોટો હિસ્સો ધરાવે છે અને તાજેતરમાં જ તેના બિઝનેસની ગણના એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર તરીકે થઇ છે. વિશ્વવ્યાપી કોરોના વાઇરસ મહામારીની ઘણી ખરાબ અસર આ બિઝનેસને પણ થઇ છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડે (DPIIT) અમેઝોન ઇન્ડિયાની હરિફ ફ્લિપકાર્ટને જણાવ્યું હતું કે, ફૂડ રીટેઈલ બિઝનેસમાં પ્રવેશની તેમની સૂચિત યોજના નિયમન માર્ગદર્શિકાને અનુરૂપ નથી.
ફ્લિપકાર્ટના ચીફ કોર્પોરેટ અફેર્સ ઓફિસર રજનીશ કુમારે જણાવ્યું હતું કે, કંપનીએ આ એજન્સીના જવાબ અંગે ચર્ચા કરી હતી અને અમે ફરીથી અરજી કરવાનું વિચારીએ છીએ. ફ્લિપકાર્ટમાં અમે માનીએ છીએ કે ટેકનોલોજી અને નવીનતા ધરાવતા બજારમાં કાર્યક્ષમતા અને પારદર્શકતા લાવવાથી આપણા દેશના ખેડૂતો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે અસરકારક મૂલ્યવર્ધન કરી શકે છે. ખેડૂતોની આવક વધારવામાં અને ભારતીય કૃષિ ક્ષેત્રને પરિવર્તિત કરવામાં તે મદદરૂપ થશે.
ફ્લિપકાર્ટ ગ્રુપના સીઇઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ દેશના વૃદ્ધિ પામતા ફૂડ રીટેઈલ માર્કેટમાં પ્રવેશવાની યોજનાની જાહેરાત કરતી વેળાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ નવા સાહસમાં 258 મિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે. કૃષ્ણમૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે, ફ્લિપકાર્ટે સ્થાનિક કૃષિ ક્ષેત્ર, સપ્લાય ચેઇન અને હજ્જારો નાના ખેડૂતો, તેમના મંડળો અને દેશના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે કામ કરીને વધુ રોકાણ કરવાની યોજના બનાવી છે. ફૂડ રીટેઈલ યુનિટ દેશના ખેડૂતોની આવક વધારવામાં અને દેશભરના ગ્રાહકો માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત ભોજન સામગ્રી લાવવામાં મદદ કરશે.
જોકે, ભારતમાં અગાઉ એમેઝોન, ઝોમેટો અને ગ્રોફર્સ સહિતની ઘણી ઇ-કોમર્સ અને ગ્રોસરી કંપનીઓએ ફૂડ રીટેઈલ બિઝનેસની મંજૂરી મેળવી છે. અત્યારે ફૂડ રીટેઈલ ક્ષેત્રે 100 ટકા સીધુ વિદેશી રોકાણ કરી શકાય છે.