કોરોના વાઈરસના રોગચાળા પછી જાહેર થયેલા લોકડાઉનના કારણે ભારતમાં અટવાઈ ગયેલા બ્રિટિશ નાગરિકોને સ્વદેશ પાછા લાવવા યુકે સરકારે વધુ 14 સ્પેશિયલ ચાર્ટર ફલાઈટ્સ ઓપરેટ કરવાની જાહેરાત કરી છે, તેમાં 3600 પેસેન્જર્સ પાછા ફરી શકશે. આ ફલાઈટ્સ 28 એપ્રિલથી 4 મે સુધી ઓપરેટ થશે.
આ વધારાની ફલાઈટ્સ સાથે સરકારના પ્રયાસો થકી ભારતથી કુલ 13,000 થી વધુ યુકેવાસીઓના સ્વદેશ પરત ફરશે. આ 14 ફલાઈટ્સનો કાર્યક્રમ આ મુજબ છેઃ
અમદાવાદથી પાંચ ફલાઈટ્સ 28 અને 29 એપ્રિલ તથા 1, 2 અને 4 મેના રોજ રવાના થશે.
અમૃતસરથી 8 ફલાઈટ્સ 28, 29 અને 30 એપ્રિલ તથા 1, 2 (બે ફલાઈટ્સ), 3 અને 4 મેના રોજ રવાના થશે.
દિલ્હીથી એક ફલાઈટ 30 એપ્રિલના રોજ રવાના થશે.
આ સાથે, ભારતની યુકે સરકારે કુલ 52 ચાર્ટર ફલાઈટ્સ ઓપરેટ કરી છે. અગાઉથી સીટ બુક કરી હશે તે લોકોનો જ આ ફલાઈટમાં યુકે પરત આવવા સમાવેશ કરાશે.
વિદેશ પ્રધાન ડોમિનિક રાબે જણાવ્યું હતું કે ભારતથી અવરજવર ખૂબજ મર્યાદિત પ્રમાણમાં જ શક્ય હોવાના કારણે યુકે સરકારે આ ચાર્ટર ફલાઈટ્સનું સંચાલન કર્યું છે. ભારતમાં અમારો સ્ટાફ હજી પણ ત્યાં રહેલા યુકેના નાગરિકોને સ્વદેશ પાછા ફરવા માટે મદદની જરૂર હોય તો તેમને સહાય કરશે.
સાઉથ એશિયા અને કોમનવેલ્થના મિનિસ્ટર ઓફ સ્ટેટ લોર્ડ તારિક એહમદે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આ નવી 14 ફલાઈટ્સ સાથે કુલ 52 ફલાઈટ્સમાં મળી 13,500થી વધુ લોકોને અમે 4 મે સુધીમાં યુકે પરત લાવવાનું આયોજન કર્યું છે. અમે હજી પણ ચોવિસે કલાક કાર્યરત રહી ભારતમાં રહેલા યુકેના નાગરિકો પાછા આવવા માંગતા હોય તો તેમને સપોર્ટ કરીશું.
ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ દ્વારા એકંદરે 18 અલગ અલગ દેશો અને ટેરિટરીઝથી યુકેના નાગરિકોને પરત લાવવાનું અભિયાન ચલાવાયું છે, જેમાં પાકિસ્તાનથી 700 કરતા વધુ, સાઉથ આફ્રિકાથી 1,700 કરતાં વધુ અને પેરૂથી 1,200 કરતા વધુ લોકોને પણ પરત લવાયા છે.