સોમવારે એક તરફ તો ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી, તો બીજી તરફ ન્યૂ ઝીલેન્ડે ઘરઆંગણે ટેસ્ટ સીરીઝમાં પ્રવાસી શ્રીલંકાને હરાવતાં તેનો પડકાર પુરો થઈ ગયો હતો અને તેના આધારે ભારત બીજીવાર પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા આ અગાઉ જ ક્વોલિફાઈ થઈ ચૂક્યું હતું.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લેન્ડમાં લંડનના ઓવલ ખાતે આગામી તા. 7 થી 11 જુન દરમિયાન રમાશે. જરૂર પડ્યે 12 જુનનો દિવસ રીઝર્વ રખાયો છે. અગાઉ, ફાઈનલમાં ભારતના પરાજય સાથે ન્યૂ ઝીલેન્ડ ચેમ્પિયન બન્યુ હતું, તો વખતે ન્યૂ ઝીલેન્ડને ફાઈનલની કોઈ તક નહોતી. ભારત આ ચેમ્પિયનશિપમાં કુલ 18 મેચ રમ્યું છે, જેમાં 10માં વિજય, 5માં પરાજય અને 3 ટેસ્ટ ડ્રો રહી હતી. પોઈન્ટ ટેબલમાં ભારત નંબર ટુ રહ્યું, જ્યારે ઓસ્ટ્રેલિયા 19 મેચમાં 11 વિજય સાથે નંબર રહ્યું.